16 October, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો
થાણે અને મુંબઈને જોડતી મુંબઈ મેટ્રો 4 માટેની પહેલી ટ્રેન ડિસેમ્બરના બીજા અઠવાડિયા સુધી મુંબઈ મોકલી દેવામાં આવશે. ટ્રેન બનાવનારી ફ્રેન્ચ રેલવે મૅન્ચુફૅક્ચરર કંપની અલ્સ્ટોમના અધિકારી ચંપક પાંડાએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘નવેમ્બરના અંત સુધીમાં ટ્રેનનું શિપમેન્ટ કરવામાં આવશે. મુંબઈ પહોંચવામાં એક અઠવાડિયાથી ૧૦ દિવસ લાગતા હોવાને કારણે ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં ટ્રેન મુંબઈ પહોંચી જશે એવો અમારો અંદાજ છે. ટ્રેન-લેવલનું ટેસ્ટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને ત્રણથી ૪ અઠવાડિયાંમાં સિગ્નલિંગ ઇન્ટિગ્રેશન તથા અન્ય કામો પણ પૂરાં થઈ જશે.’
બુધવારે જ અલ્સ્ટોમે મુંબઈની બે મેટ્રોલાઇન માટેનો પહેલો મેટ્રોપૉલિસ ટ્રેનસેટ આંધ્ર પ્રદેશની શ્રી સિટી ફૅસિલિટીમાં લોકો સમક્ષ જાહેર કર્યો હતો. આ ટ્રેન મુંબઈ પહોંચે ત્યાર પછી રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑર્ગેનાઇઝેશન (RDSO) તથા કમિશનર ઑફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) દ્વારા એને લીલી ઝંડી આપવામાં આવશે. બ્રેકિંગ-ટેસ્ટ, ૯૦ કિલોમીટરની હાઈ-સ્પીડ રન, રાઇડ ઇન્ડેક્સ ટેસ્ટ સહિતની ટેસ્ટ મુંબઈમાં કર્યા પછી ટ્રેનને સર્વિસમાં સામેલ કરવા માટે RDSO તથા CMRS દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જે મેટ્રોલાઇન માટે આ ટ્રેન બનાવવામાં આવી છે એ મુંબઈમાં વડાલાથી થાણેના કાસારવડવલીને જોડશે. ૩૨.૩૨ કિલોમીટરના આ એલિવેટેડ મેટ્રો કૉરિડોરમાં ૩૦ સ્ટેશન હશે.