આવતા વર્ષે ૧૫ ઑગસ્ટથી પહેલી બુલેટ ટ્રેન દોડશે

02 January, 2026 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌ પ્રથમ વંદે ભારત સ્લીપરને આ મહિને નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપે એવી શક્યતા, દોડશે કલકત્તા-ગુવાહાટી વચ્ચે

મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે એ પ્રશ્નનો જવાબ આખરે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી દીધો છે. ૨૦૨૭ની ૧૫ ઑગસ્ટે પહેલી બુલેટ ટ્રેન દોડશે એવી જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. આ ઉપરાંત વંદે ભારતના સ્લીપર કોચના સફળ પરીક્ષણ બાદ આ મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પહેલી સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે એવું પણ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું. આ ટ્રેન કલકત્તા-ગુવાહાટી વચ્ચે દોડશે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન કૉરિડોર પર તબક્કાવાર બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. સુરતથી બીલીમોરા વચ્ચે પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન દોડશે. ત્યાર બાદ વાપીથી સુરત વચ્ચે બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં વાપીથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન શરૂ થશે. ત્યાર બાદ થાણેથી અમદાવાદ લાઇન ખુલ્લી મુકાશે અને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે આખો કૉરિડોર શરૂ થશે. 

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડોરમાં વાયડક્ટ્સ, પુલ, ટનલ અને સ્ટેશનોનું કામ નોંધપાત્ર પ્રમાણમાં પૂરું થઈ ગયું છે. ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કૉરિડોર પર બુલેટ ટ્રેન દોડશે. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે ૩૨૦ કિલોમીટરનું વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે જેમાં જમીન-સંપાદન, ટનલિંગ, સ્ટેશનનું બાંધકામ અને ઇલેક્ટ્રિસિટીનું કામ પ્રગતિ પર છે. 
૨૦૨૭માં પ્રથમ ઑપરેશનલ રન અને ૨૦૨૯ સુધીમાં સંપૂર્ણ કૉરિડોર ઑપરેશન શરૂ કરવાનું આયોજન છે.

mumbai news mumbai bullet train mumbai transport ahmedabad ashwini vaishnaw indian railways vande bharat