મોબાઇલ ઍપથી લોકલ ટ્રેનની ટિકિટ કઢાવવાનો પહેલો દિવસ પરેશાનીનો

25 November, 2021 08:50 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેની યુટીએસ ઍપમાં ટિકિટ બુક કરવામાં મુસાફરોએ અસંખ્ય ફરિયાદો કરીને સમસ્યાઓ અને ખામીઓ દર્શાવી

પ્રવાસીઓ ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભા રહેવાનું ટાળીને ફરી ઍપ વાપરવા ઉત્સુક હતા. પ્રતીકાત્મક સતેજ શિંદે

ગઈ કાલથી મુંબઈ લોકલ ટ્રેનની ટિકિટો ઑનલાઇન બુક કરવાની શરૂઆત થતાં ઘણી સમસ્યાઓ સામે આવી છે. રસીના બન્ને ડોઝ લેનારા લોકો માટે લોકલ ટ્રેનની ઑનલાઇન ટિકિટની સુવિધા ફરી શરૂ થઈ છે. અત્યારે યુનિવર્સલ ટિકિટિંગ ઍપનો મહારાષ્ટ્ર સરકારનો ડેટાબેઝ એમાં જોડવામાં આવ્યો છે.
ઍપથી ટિકિટ લેવામાં પહેલા જ દિવસે અનેક ફરિયાદો સામે આવી છે. પ્રક્રિયા એવી છે કે પહેલાં યુટીએસ અપડેટ કરવાની હોય છે. પછી સ્ટેશન સિલેક્ટ કરવાનું, એ પછી કોવિન બેનિફિશિયર આઇડી વગેરે વિગતો નાખવાની. જોકે ટિકિટ લેવામાં દર વખતે આખી પ્રક્રિયા કરવી પડે છે.
મુસાફર સૌરભ પતકી અને વિકાસ તિવારી કહે છે, ‘ટિકિટ ખરીદતી વખતે દર વખતે લિન્ક કરવાની જરૂર ન હોવી જોઈએ. કોવિન બેનિફિશિયર આઇડી એક વારમાં પ્રોફાઇલ સાથે રજિસ્ટર થઈ જવું જોઈએ.’
બીજા એક મુસાફર કહે છે, ‘એક મોબાઇલ નંબર પર એકથી વધારે લોકો રજિસ્ટર થયેલા હોય છે, પણ ઍપ્લિકેશનમાં બેનિફિશિયરીના એક નામ સિવાય બીજા લોકો માટે વિકલ્પ નથી આવતો.’
વધુ એક પ્રવાસી અંકિત સાવલા જણાવે છે, ‘એક ખામી છે કે જેમને વૅક્સિન લીધાને ૧૪ દિવસ નથી થયા તેમની પણ ટિકિટ બુક થઈ જાય છે.’
મુસાફર મીતાંશ પારેખ કહે છે, ‘મેં વિદેશમાં રસી લીધી છે, પણ મારે મુંબઈ લોકલ ટ્રેનની ટિકિટ બુક કરવી હોય તો એ માટે કોઈ વિકલ્પ જ નથી.’
આ બધા વચ્ચે એક મુસાફર ખુશ છે. વિજય વેદ જણાવે છે, ‘યુટીએસ ઍપમાં મારા ૧૨૫ રૂપિયા બે વર્ષથી ફસાયેલા હતા જે મને હમણાં પાછા મળી ગયા. આ ઍપ એપડેટ કરવામાં આવી છે અને સરસ ચાલી રહી છે. મને ૧૦૦ રૂપિયા સામે ૧૦૫ રૂપિયા મળ્યા છે.’
રેલવેએ તેમને ઍપ્લિકેશન વાપરવા માટે પાંચ રૂપિયાનું પ્રમોશનલ વળતર આપ્યું છે. રેલવેના અધિકારી કહે છે, ‘આ ઍપ સતત અપડેટ કરવામાં આવી રહી છે. જે પણ સમસ્યાઓ, ખામીઓ સામે આવશે એને દૂર કરવામાં આવશે.’

ટિકિટ ઍપના પહેલા દિવસના આંકડા
વેસ્ટર્ન રેલવે - સાંજે પાંચ વાગ્યા સુધી
પ્રવાસી ટિકિટ – ર૮0૭
સીઝન ટિકિટ – ૯૭ર
સેન્ટ્રલ રેલવે - સાંજે છ વાગ્યા સુધી
પ્રવાસી ટિકિટ – 3૫૦૯
સીઝન ટિકિટ – ૧૦3૪

કોણ ટિકિટ લઈ શકશે અને કોણ નહીં? 

રસી ન લઈ શકનારા ૧૮ વર્ષથી નાના પ્રવાસીઓ અને અન્ય રોગને લીધે રસી ન લઈ શકનારા લોકો ઑનલાઇન ટિકિટ બુક કરી શકશે?
ના, તેમણે બુકિંગ કાઉન્ટર પરથી જરૂરી ડૉક્યુમેન્ટ્સ બતાવીને ટિકિટ લેવી પડશે.
જે લોકોએ વિદેશમાં રસી લીધી છે તેઓ ઑનલાઇન ટિકિટ બુક કરી શકશે?
ના, અત્યારે તો મહારાષ્ટ્ર સરકારનો યુનિવર્સલ ટિકિટિંગ ડેટાબેઝ જ લિન્ક કરવામાં આવ્યો છે.
મેં બન્ને ડોઝ લઈ લીધા છે અને ૧૪ દિવસ વીતી ગયા છે. શું હું મારું કોવિન સર્ટિફિકેટ લિન્ક કરીને ઑનલાઇન ટિકિટ મેળવી શકું?
ના, મહારાષ્ટ્ર સરકારની યુનિવર્સલ ટિકિટિંગ ઍપ પર રજિસ્ટર કરવું જરૂરી છે. એના ડેટાબેઝ સાથે જ યુટીએસ ઍપ લિન્ક થયેલી છે. આ ઍપ્લિકેશન આપેલી લિન્ક પરથી મેળવી શકાશે -https://epassmsdma.mahait.org/login.htm. જે પ્રવાસીઓના મોબાઇલમાં આ ઍપ પહેલેથી છે તેમણે નવી સુવિધા માટે એ અપડેટ કરવાની રહેશે.
શું હું સીઝન ટિકિટ, રિન્યુઅલ અને અન્ય ટિકિટ પણ મેળવી શકું?
આ ઍપ દ્વારા પ્રવાસી અને સીઝન ટિકિટ બન્ને મેળવી શકાશે અને સીઝન ટિકિટ રિન્યુ પણ થઈ શકશે.

Mumbai mumbai news rajendra aklekar