ઘાટકોપરમાં શરૂ થયું શહેરનું પહેલું કમ્યુનિટી ક્લિનિક

03 April, 2020 07:57 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

ઘાટકોપરમાં શરૂ થયું શહેરનું પહેલું કમ્યુનિટી ક્લિનિક

ડૉક્ટરોની ટીમને પણ અલગ-અલગ ટેબલ ફાળવાયાં છે.

ઘાટકોપરમાં શહેરનું પ્રથમ કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ભયંકર રોગચાળાને કારણે સરકારે કરેલા લૉકડાઉનને કારણે પઆઇવેટ દવાખાનાં બંધ છે ત્યારે ઘાટકોપર-ઈસ્ટના રમાબાઈ આંબેડકર નગરમાં દરદીઓની નાની-મોટી બીમારીઓનો ઉપચાર કરવા માટે આ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. આ ક્લિનિક માટે ૩૨ ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. પાંચ ડૉક્ટરોની ટીમ દરરોજ ૧૦થી ૧૨ વાગ્યા સુધી આ સેવા આપશે અને ત્રણ ડૉક્ટરો ક્લિનિકમાં બેસીને તમામ વ્યવસ્થાની દેખરેખ રાખશે.

આ ક્લિનિક વિશે માહિતી આપતાં ઘાટકોપર મેડિકલ અસોસિયેશનના પ્રમુખ ડૉ. વિપુલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સરકારે શહેરના ડૉક્ટરોને દવાખાનાં ચાલુ રાખવાનું તો કહ્યું, પણ મોટા ભાગનાં દવાખાનાંનો એરિયા ૧૦૦થી ૧૫૦ ફુટનો હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ શકે છે એટલે ડૉક્ટરોએ પોતાનાં દવાખાનાં બંધ કરી દીધાં હતાં. આમ પણ ડૉક્ટરોને પણ કોરોના વાઇરસનો ભય તો લાગે જને. આ જ કારણસર અમે કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રમાબાઈનગરમાં આવેલા શહીદ સ્મારક હૉલમાં અમે પાલિકા અને પોલીસની પરવાનગી લઈને આ ક્લિનિક શરૂ કર્યું છે.

ક્લિનિક ‌વિશે વધુ માહિતી આપતાં જોશીએ કહ્યું હતું કે સૌપ્રથમ તો આવા પ્રકારનું શહેરનું પહેલું ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. અમે ત્રણ ડૉક્ટરો હું, દિલીપ લોખંડે અને પલ્લવી આહિરે કોરોના ન ફેલાય એ વિશેની તમામ બાબતોનું ધ્યાન રાખીએ છીએ. દરદીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગમાં રાખવામાં આવે છે. ૩૨ જણની અમારી ટીમમાંથી દરરોજ અલગ-અલગ પાંચ ડૉક્ટરો સેવા આપશે, એવું નક્કી કરવામાં આવ્યું છે. ગુરુવારથી અમે આ સેવાનો પ્રારંભ કર્યો હતો. આ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હોવા વિશેની જાણ હજી લોકોને નથી એટલે અમે રહેણાક વિસ્તારમાં વૅન દ્વારા એનો પ્રચાર કરીશું. જોકે પહેલા દિવસે કમ્યુનિટી ક્લિનિકમાં૭૦ દરદીઓએ લાભ લીધો હતો. હાલમાં તો રમાબાઈ અને કામરાજનગરના રહેવાસીઓને આ લાભ મળી રહ્યો છે, પણ શહેરનો કોઈ પણ દરદી અમારે ત્યાં ઉપચાર કરાવવા આવી શકે છે.

વધુ એક કમ્યુનિટી ક્લિનિક ખોલવામાં આવશે
ઘાટકોપરના રમાબાઈનગરમાં ખોલવામાં આવેલા કમ્યુનિટી ક્લિનિક જેવું જ અન્ય એક ક્લિનિક ઘાટકોપર-ઈસ્ટમાં પંતનગરમાં ખોલવાનો વિચાર ચાલી રહ્યો છે. પંતનગરમાં આવેલા સમાજમંદિર હૉલમાં આ ક્લિનિક શરૂ કરવાની વાટાઘાટ ચાલી રહી છે, એવું ડૉ. વિપુલ જોશીએ કહ્યું હતું.

mumbai mumbai news ghatkopar coronavirus covid19