સૌપ્રથમ સેરિબ્રલ પૉલ્ઝી હાૅમિયોપૅથ ડૉક્ટરે અકસ્માતમાં જીવ ગુમાવ્યો

04 October, 2020 09:35 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સૌપ્રથમ સેરિબ્રલ પૉલ્ઝી હાૅમિયોપૅથ ડૉક્ટરે અકસ્માતમાં જીવ ગુમાવ્યો

સેરિબ્રલ પૉલ્ઝી હોવા છતાં હોમિયોપૅથ ડૉક્ટર બનેલા હુસેન જેતપુરવાલા.

બકુલેશ ત્રિવેદી
મુંબઈ : સેરિબ્રલ પૉલ્ઝી હોવા છતાં માતાની લગન અને પોતાની મહેનત અને પૉઝિટિવ ઍટિટ્યુડને કારણે વિશ્વના પહેલા હોમિયોપૅથ ડૉક્ટર બનીને અનેક લોકોને મોટિવેટ કરનારા મુંબઈના ડૉ. હુસેન જેતપુરવાલાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને વડા પ્રધાન મનમોહન સિંહે પણ જેમનું સન્માન કર્યું હતું એવા ડૉ. હુસેન જેતપુરવાલા ગુરુવારે નવી મુંબઈની એક કૉલેજમાં આયોજિત સેમિનારમાં લોકોને ગાઇડ કરવા જઈ રહ્યા હતા ત્યારે દેવનાર વિસ્તારમાં એક ટ્રકે તેમની દિવ્યાંગ માટેની સાઇડ વ્હીલ સાથેની સ્કૂટીને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કલાકો સુધી મોત સામે લડનારા ડૉ. હુસેન ત્યાર બાદ શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી વહી જવાથી મૃત્યુ પામ્યા હતા. તેમના આકસ્મિક નિધનથી મુંબઈના તબીબ જગતમાં ગમગીની છવાઈ જવાની સાથે તેમને જાણનાર અનેક દિવ્યાંગોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ડૉ. હુસેનનાં માતા ડૉ. ફાતેમા ઇસ્માઇલ જેતપુરવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે હંમેશની જેમ તેમની બાઇક
(સ્કૂટી) પર નીકળ્યા હતા. સવારે ૮.૧૫ વાગ્યે તે દેવનાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રૉલર (૧૬ વ્હીલ્સ ધરાવતી હેવી ટ્રક)ના ડ્રાઇવરે તેમને અડફેટે લેતાં તે ફંગોળાયા હતા. ટ્રકના પૈડામાં સ્કૂટી ફસાઈ જવાથી તે કેટલાક મીટર સુધી ઘસડાઈ પણ હતી. ઍક્સિડન્ટ કરી ટ્રક-ડ્રાઇવર ભાગી ગયો હતો. ગંભીર ઈજા થઈ હોવા છતાં હુસેને અમને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. અમને જાણવા મળ્યા હતું કે અકસ્માત બાદ તે હોશમાં હતો, પણ લોકો પોલીસકેસ થવાના ડરથી તેને ઉપાડીને સારવાર માટે લઈ જવા આગળ નહોતા આવ્યા. લોકોએ પહેલાં શિવાજીનગર પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસ પણ મોડી આવી હતી અને કહ્યું હતું કે ઍક્સિડન્ટ દેવનાર પોલીસની હદમાં થયો છે એટલે તેમને જાણ કરો. દેવનાર પોલીસને જાણ કરાતાં પોલીસ આવી હતી. હુસેનનને હૉસ્પિટલ લઈ જવાયા બાદ પણ તે હોશમાં હતો. આખરે ખૂબ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થુયું હતું.’
ડૉ. હુસેનનાં મમ્મી ડૉક્ટર ફાતેમાએ કહ્યું હતું કે ‘હુસેન જન્મથી જ સેરિબ્રલ પૉલ્ઝી હોવાથી તેનો ઉછેર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તેમણે પોતે જાતે એ પછી હોમિયોપૅથ ડૉક્ટરનું ભણવાનું શરૂ કર્યું હતું અને ડૉક્ટર બન્યાં હતાં. તેમની લગન અને અથાક મહેનત રંગ લાવી અને હુસેને પણ નક્કી કર્યું કે તે પણ ડૉક્ટર બનશે. શારીરિક ખામીઓને ન ગણકારતાં સખત મનોબળ દાખવી તે સેરિબ્રલ પૉલ્ઝી જેવી બીમારી હોવા છતાં વિશ્વના પહેલા હોમિયોપૅથ ડૉક્ટર બન્યા હતા. તેમની આ સિદ્ધિની નોંધ અનેક લોકોએ લીધી હતી અને તેમનું સન્માન પણ કરાયું હતું.

પોલીસ શું કહે છે?

દેવનાર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર રાગિણી ભાગવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍક્સિડન્ટને કારણે ટ્રાફિક જૅમ થયો હતો. અમે જખમી ડૉક્ટરને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ તેમનો પરિવાર તેમને સૈફી હૉસ્પિટલ લઈ ગયો હતો, પણ તેમનું મૃત્યુ થયું હતું. એ પછી નાયર હૉસ્પિટલમાં તેમનું પોસ્ટમૉર્ટમ કરાયું હતું. ડ્રાઇવર ઍક્સિડન્ટ કરીને ભાગી ગયો છે. અમે ટ્રકમાલિકને બોલાવ્યો હતો, પણ તે આવ્યો નહોતો. તેની માતાનું મૃત્યુ થયું હોવાથી તે ડ્રાઇવરને લઈને એકાદ-બે દિવસમાં હાજર થશે એમ તેણે જણાવ્યું છે.’

mumbai mumbai news