અબ્દુલ રહેમાન સ્ટ્રીટની કટલરી માર્કેટની આગ પાંચ દિવસે બુઝાઈ

10 October, 2020 10:39 AM IST  |  Mumbai | Mumbai correspondent

અબ્દુલ રહેમાન સ્ટ્રીટની કટલરી માર્કેટની આગ પાંચ દિવસે બુઝાઈ

અબ્દુલ રહેમાન સ્ટ્રીટની કટલરી માર્કેટની આગ પાંચ દિવસે બુઝાઈ

દક્ષિણ મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પાસે આવેલી કટલરી માર્કેટમાં ગયા રવિવારે સાંજે ૪.૨૪ વાગ્યે લાગેલી આગ પાંચ દિવસ બાદ ગુરુવારે બુઝાઈ હતી. આ સાથે કૂલિંગ ઑપરેશનનો પણ અંત આવ્યો હતો. પાંચ દિવસ સુધી ફાયરબ્રિગેડના જવાનોએ સાંકડી ગલીઓમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઠારવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગમાં ૨૦૦થી વધુ દુકાનો ખાખ થઈ જવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાને લીધે પહેલાં વ્યવસાય બંધ હતો અને બાદમાં આગમાં બધું સ્વાહા થઈ જવાથી કટલરીના વેપારીઓની કમર તૂટી ગઈ છે.
માર્કેટમાં ઇમિટેશન જ્વેલરી અને કટલરીની દુકાનો એકબીજાને અડીઅડીને આવેલી છે. વર્ષોથી અહીં લોકો વેપાર કરે છે. માર્કેટમાં ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા રાજન પંજાબીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ માર્કેટ પાંચ મકાનોમાં ફેલાયેલી છે, જેમાં બે મકાનો એમએમઆરડીએ દ્વારા બે વર્ષ પહેલાં આખેઆખા તોડી પાડી નવાં બનાવ્યાં છે, જ્યારે એક મકાન જે જૂનું થઈ ગયું હતું એ બીએમસી અને મ્હાડામાં આવે છે. જેનું કામ ગઈ કાલે શુક્રવારથી ચાલુ થવાનું હતું તેનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો. એનો કેટલોક ભાગ આ આગમાં તૂટી પડ્યો છે. હાલ માર્કેટની એ ગલીઓમાં પાણી ભરાયેલાં હતાં એ ખાલી કરાયાં છે, પણ સળગી ગયેલો માલ, ફર્નિચર અને પાણીના મારાથી ખરાબ થઈ ગયેલા માલનો કચરો હજી ત્યાં પડ્યો છે. હવે બીએમસી કાઢવાનું ચાલુ કરશે. તૂટી પડેલા મકાનનો બીજો ભાગ પણ જર્જરિત અને જોખમી હોવાથી અંદર સુધી કોઈ વેપારીને જવા દેવાતા નથી. એ કાટમાળ ઉપાડી લેવાયા બાદ જ અંદર જવા મળશે. ઓલરેડી કોરોનાને કારણે ૪ મહિના દુકાનો બંધ હતી અને હવે એમાં આ આગ લાગતા વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હવે આમાંથી બહાર આવતા વેપારીઓને લાંબો સમય લાગી જશે.’

mumbai news mumbai