વૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ

02 March, 2021 07:21 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

વૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ

ગઈ કાલે દહિસરનું ગુજરાતી સિનિયર સિટિઝન દેઢિયાદંપતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રસી લેતા જોયા પછી તરત જ પોતે પણ વૅક્સિન લેવા પહોંચી ગયું હતું.

દહિસર-ઈસ્ટમાં મરાઠા કૉલોનીમાં રહેતાં કચ્છી સિનિયર સિટિઝન ૬૯ વર્ષના મણિલાલ દેઢિયા અને ૬૬ વર્ષનાં લતા દેઢિયાએ ગઈ કાલે વૅક્સિનેશન સેન્ટરમાં જઈને વૅક્સિન લીધી હતી. વૅક્સિન લીધા બાદ મોડી રાત સુધી તેમને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નહોતી.

સિનિયર સિટિઝન દંપતીના દીકરા નિમેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘હકીકતમાં તો અમે ચારેક દિવસ બાદ મમ્મી-પપ્પાને વૅક્સિન અપાવવાના હતા, પરંતુ આપણા દેશના વડા પ્રધાન મોદીએ પોતે જ ગઈ કાલે વૅક્સિન લીધી હોવાથી અમે પણ ત્યારે જ વૅક્સિન લેવાનું નક્કી કર્યું હતું. તેમને વૅક્સિન લેતા જોતાં અમારા માટે એ પ્રેરણાદાયી બન્યું હતું. અમે રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું, પણ અમે સીધાં દહિસર ચેકનાકા પાસે આવેલા જમ્બો કોવિડ સેન્ટર પહોંચ્યાં અને ત્યાં જઈને વૅક્સિન લીધી હતી. જોકે સર્વરની સમસ્યા હોવાથી અમે દોઢેક કલાક સેન્ટરમાં બેઠાં હતાં અને ત્યાર બાદ અડધો કલાકમાં વૅક્સિન અપાઈ હતી. ગઈ કાલે મોડે સુધી તેમને કોઈ સમસ્યા થઈ નહોતી.’

દેઢિયા-ફૅમિલીની જેમ બીજાં કોવિડ સેન્ટરમાં પણ સિનિયર સિટિઝન રસી લેવા માટે ગયા હતા. ગોરેગામના નેસ્કો જમ્બો કોવિડ સેન્ટરમાં વૅક્સિન લેવા ગયેલાં ૮૭ વર્ષનાં કાન્તાબહેન શાહ અને ૯૧ વર્ષના ચીનુભાઈ શાહે દીકરો સાથે હોવાથી કોઈ ખાસ હેરાનગતિ વગર રસી મુકાવી હતી. ચીનુભાઈના પુત્રએ કહ્યું હતું કે ‘અમે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ પહેલાં એરર બતાવતું હતું. જોકે થાડા સમય બાદ એ બરાબર થઈ જતાં પહેલાં પપ્પાએ વૅક્સિન લીધી હતી. અમુક વેરિફિકેશન કરવાનું બાકી હોવાથી ત્યાર બાદ મમ્મીને રસી અપાઈ હતી.’

એ સિવાય પણ શહેરનાં તમામ સરકારી વૅક્સિન સેન્ટરમાં મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનોએ રસી મુકાવવા માટે ધસારો કર્યો હતો.

preeti khuman-thakur mumbai mumbai news coronavirus covid19 dahisar narendra modi