ગાલા ફૅમિલી માટે કચ્છ છેટું જ રહ્યું

24 September, 2020 08:14 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ગાલા ફૅમિલી માટે કચ્છ છેટું જ રહ્યું

અકસ્માત થયેલી કારની હાલત જોઈ શકાય એમ છે. આ ટૅન્કર સાથે જોરદાર અથડામણ થઈ હતી.

મુંબઈથી કચ્છ કુળદેવીનાં દર્શને જતી વખતે હળવદ પાસે અકસ્માતમાં બિપિન ગાલા અને નાના દીકરાના જીવ ગયા : પત્ની અને મોટા દીકરાને ગંભીર ઈજાઓ

ચર્ની રોડના સિક્કાનગરમાં રહેતા ૬૨ વર્ષના બિપિન ઠાકરશીભાઈ ગાલા તેમની પત્ની કલ્પનાબહેન, ૩૧ વર્ષના મોટા દીકરા વિકી અને ૨૬ વર્ષના નાના દીકરા બ્રિજને કચ્છમાં આવેલા તેમનાં કુળદેવીનાં દર્શને પોતાની કારમાં લઈને ગયા હતા. જોકે હળવદ હાઇવે પર જતી વખતે સુસવાવ ગામ પાસે ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ભીષણ અકસ્માત સર્જાતાં તેમનો પરિવાર વિખેરાઈ ગયો હતો. સુસવાવ ગામ પાસે પહોંચ્યા ત્યારે ટૅન્કરની પાછળ કાર અથડાતાં કારમાં આગળ પ્રવાસ કરી રહેલા બિપિનભાઈ અને બ્રિજનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે કલ્પનાબહેન અને વિકી ગંભીર રીતે જખમી થયાં હોવાથી તેમને હળવદની સરકારી હૉસ્પિટલ લઈ જવાયાં હતાં. ત્યાર બાદ અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે. આ દુર્ઘટના બાદ ગાલા પરિવાર સહિત તેમના સંબંધીઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે.
કચ્છી વીસા ઓસવાળ સમાજના અને મોટા આંસબિયા ગામના બિપિનભાઈ ગાલાનું નળ બજારમાં આટો, બેસન, મેંદાનું હોલસેલનું કામકાજ છે. હોટેલમાં તેમનો માલ વધુ સપ્લાય થતો હોય છે. તેમના ભાઈઓ ભવનજી અને રમેશ ગાલાનો પણ હોલસેલનો વ્યવસાય છે અને આ પરિવાર સમાજમાં સારું નામ પણ ધરાવે છે. બિપિનભાઈ eon કાર ક્રમાંક MH-01-BB-7507 લઈને મુંબઈથી કચ્છ માંડવી તાલુકાના મોટા આંસબિયા ગામે જઈ રહ્યા હતા. એ વખતે હાઇવે પર વહેલી સવારે તેમની કાર હળવદ હાઇવેથી પસાર થઈ રહી હતી ત્યારે હાઇવે પર સુસવાવ ગામ પાસે ઇન્ડેન ગૅસના ટૅન્કર સાથે કાર જોરદાર અથડાઈ હતી. ભીષણ અકસ્માતમાં કારની આગળનો ભાગ કચ્ચ્ચરઘાણ થયો હતો. તેમ જ બ્રિજ અને બિપિનભાઈને માર વધુ લાગતાં તેમનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. જ્યારે કે વિકી અને કલ્પનાબહેનને ગંભીર જખમ આવ્યા હોવાથી તેઓ પણ લોહીલુહાણ થયાં હતાં. બન્નેને હળવદની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ત્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ આગળની સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવા કહેવાયું હતું. હળવદ પોલીસે દુર્ઘટનાની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.
બૉકસ
પરિવારનું શું કહેવું છે?
આ વિશે બિપિનભાઈના મોટા ભાઈ અને ફ્લોર મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ ભવનજી ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મંગળવારે સાંજના બિપિનભાઈ અને તેમનો પરિવાર અમારા ગામે કુળદેવીનાં દર્શન કરવા અને તેમને થોડું કામ હોવાથી મુંબઈથી નીકળ્યાં હતાં. અમારા ગામથી છ કલાકની દૂરી પર અને હળવદ હાઇવે પર ટૅન્કર રસ્તા પર ઊભું હતું અને કાર જઈ રહી હતી. કદાચ અંદાજો રહ્યો નહીં હશે એટલે કાર ટૅન્કર સાથે અથડાઈ અને અડધો ભાગ નીચે જતો રહ્યો હતો. બ્રિજ અને બિપિનભાઈ આગળ બેઠા હોવાથી તેમને માર વધુ લાગતાં ઘટનાસ્થળે જીવ ગુમાવ્યા જ્યારે વિકીને જડબામાં ત્રણેક ફ્રૅક્ચર આવ્યાં હોવાથી તેનું ઑપરેશન કરવામાં આવશે. જોકે કલ્પનાબહેનને બ્રેઇનમાં માર લાગ્યો હોવાથી ગંભીર હાલત હોવાથી તેમને અમદાવાદની હૉસ્પિટલમાં હવે શિફ્ટ કરાયાં છે. અમે બધા સિનિયર સિટિઝન હોવાથી કોરોનાને કારણે ઘરના યુવાનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે અને ગામમાં જ બધી વિધિ કરવામાં આવશે.’

mumbai mumbai news preeti khuman-thakur