નાના ઝઘડામાં ગુસ્સે ભરાયેલા મોટા ભાઈએ કરી નાખ્યું નાના ભાઈનું મર્ડર

22 September, 2021 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલે પાર્લેના ગુજરાતી પરિવારમાં બનેલી આ ઘટનામાં ભાઈઓ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી : આ ઘટનાને કારણે એ વિસ્તારમાં મચી ગયો હાહાકાર

નાના ભાઈનું મર્ડર કરનાર મોટો ભાઈ રાજ ભગવાન બારિયા.

વિલે પાર્લે-વેસ્ટના ઇર્લા ગાવઠણમાં રહેતા ૫૦ વર્ષના રાજ ભગવાન બારિયાએ નાની એવી માથાકૂટમાં નાના ભાઈ વિનોદને ચાકુ મારી દીધું હતું. છાતી પર કરાયેલો એક જ ઘા એવો જોરદાર વાગ્યો કે એ જીવલેણ પુરવાર થયો હતો અને એક જ ઘામાં નાના ભાઈનું મોત થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટનાને કારણે એ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને તરત જ પોલીસને જાણ કરાઈ હતી. 
હત્યાના આ કેસ વિશે માહિતી આપતાં વિલે પાર્લે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શશિકાંત માનેએ કહ્યું હતું કે ‘આરોપી રાજ અને મૃતક વિનોદ બંને સગાં ભાઈ છે. બન્ને ઓછું ભણ્યા છે અને રિક્ષા ચલાવે છે. તેઓ મૂળમાં પાંચ ભાઈ હતા. એક ભાઈનું મૃત્યુ થયું હતું. આ બન્ને ભાઈઓ અપરિણીત હતા. તેમની સાથે તેમની વૃદ્ધ માતા પણ રહે છે. અવારનવાર બન્ને ભાઈઓ વચ્ચે નાની-મોટી બાબતે ઝઘડા થતા રહેતા હતા. શુક્રવારે બપોરે ઘરથી થોડેક જ દૂર બાજીપ્રભુ દેશપાંડે માર્ગ પર પ્રયાસ બિલ્ડિંગના ગેટ પાસે ફરી તેમની વચ્ચે નાનીઅમથી બાબતે ઝઘડો થયો. વાત વણસી જતાં ઉશ્કેરાઈ ગયેલા રાજે નાના ભાઈ વિનોદ પર ચાકુથી હુમલો કરી દીધો હતો. કમનસીબે ચાકુનો એ ઘા પાંસળીઓ વચ્ચેથી પસાર થઈને હૃદય પર થયો હતો અને એથી હૃદયમાં પંક્ચર થતાં વિનોદ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો તથા લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર ઈજા થતાં તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. અમને આ વિશે જાણ કરવામાં આવતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી રાજની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેની સામે હત્યાનો ગુનો નોંધી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને પોલીસ-કસ્ટડી આપી હતી.’

Mumbai mumbai news Crime News mumbai crime news vile parle