બાલ બાલ બચે

28 May, 2022 11:03 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પાલઘરના વાઘોબા ઘાટમાં એસી બસ ૪૦ ફીટ નીચે પડતાં ૧૫ જણ ઘાયલ : નાશિકથી બસનો ડ્રાઇવર બદલાયો હતો અને તેણે દારૂ પીધો હોવાનો પ્રવાસીઓનો આરોપ

ભુસાવળથી બોઇસર જતી એમએસઆરટીસીની બસ ગઈ કાલે પાલઘર પાસે વાઘોબા ઘાટ પર ૪૦થી વધુ ફીટ ઉપરથી નીચે પડી હોવાથી પ્રવાસીઓ જખમી થયા હતા.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની એમએચ૦૯એફએલ૧૦૮૪ રાતરાણી બસસેવા અંતર્ગત ચાલતી બસ જળગાવ જિલ્લાના ભુસાવળથી આવી રહી હતી અને પાલઘર થઈને બોઇસર જઈ રહી હતી ત્યારે ગઈ કાલે સવારે સવાછ વાગ્યાની આસપાસ પાલઘરના ખતરનાક વાઘોબા ઘાટ પર લગભગ ૪૦થી વધુ ફુટ નીચે ખાબકી હતી. બસ પાલઘર પાસેના ખતરનાક ઘાટ પર ચડવા જતી હતી ત્યારે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ઉપરથી નીચે પડી હતી. આ અકસ્માતને કારણે મુસાફરોને ઈજા થઈ હતી. એમાંથી મોટા ભાગના લોકો સૂઈ રહ્યા હતા. તેમને પાલઘરની ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસી બસનો ૩૦ વર્ષનો ડ્રાઇવર દિનેશ ડાંગર હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં સામેલ છે, કારણ કે તેને પણ ઈજા થઈ હતી. જોકે આ બસનો ડ્રાઇવર ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ કરી રહ્યો હોવાનો પ્રવાસીઓએ આરોપ કર્યો હોવાથી પોલીસે અને એમએસઆરટીસી પાલઘર ડિવિઝને તપાસ હાથ ધરી છે. 
બસ નીચે પડવાની માહિતી મળતાં સ્થાનિક લોકો અને મૉર્નિંગ વૉકર્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના દ્વારા મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બસમાં લગભગ ૨૫ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. 
બસના મુસાફરોના જણાવ્યા મુજબ ડ્રાઇવર દારૂના નશામાં હતો અને તેણે નાશિકથી બસનો હવાલો સંભાળ્યા બાદ પૅસેન્જરો દ્વારા તેને ડ્રાઇવિંગ ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે કન્ડક્ટર દીપક શિંદેએ પૅસેન્જરોને સમજાવ્યા હતા. પાલઘર પોલીસને આપેલા નિવેદન મુજબ ડ્રાઇવર બસ ચલાવવા માટે સારી શારીરિક સ્થિતિમાં હતો. 
એમએસઆરટીસીના પાલઘરના ડિવિઝનલ કન્ટ્રોલર રાજેન્દ્ર જગતાપે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહ્યા છીએ અને ડ્રાઇવર નશામાં હતો કે કેમ એ જાણવા માટે તેના બ્લડના નમૂના મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા છે. એનો રિપોર્ટ આવ્યા બાદ તેના સસ્પેન્શન સહિતની શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતની ગંભીરતાથી નોંધ લઈને અમે તપાસ કરી રહ્યા છીએ.’
પાલઘર જિલ્લાનાં ડીવાયએસપી નીતા પડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત બાદ સ્થાનિક પોલીસ દ્વારા નોંધ લઈને ડ્રાઇવરને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો.’

Mumbai mumbai news preeti khuman-thakur