‘શિવતીર્થ’થી શ્રીગણેશ થશે બીએમસીની ચૂંટણીમાં થનારા નવા રાજકીય સમીકરણના?

25 November, 2021 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફડણવીસે પત્ની સાથે એમએનએસ પ્રમુખના નવા ઘરે જઈને લંચ લેતાં શરૂ થયા તર્કવિતર્ક

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે એમએનએસ ચીફ રાજ ઠાકરેના ઘરે લંચ લીધું હતું. એ વખતે તેમની સાથે અમ્રિતા ફડણવીસ, શર્મિલા ઠાકરે અને અમિત ઠાકરે પણ હાજર હતાં.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત લેતાં રાજકીય વર્તુળોમાં આગામી વર્ષના પ્રારંભમાં યોજાઈ રહેલી બીએમસીની મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ અગાઉ બંને પક્ષ વચ્ચે સંભવિત જોડાણની અટકળોએ વેગ પકડ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ પત્ની અમૃતા સાથે દાદરમાં રાજ ઠાકરેના નવા નિવાસસ્થાન શિવતીર્થમાં તેમને અને તેમનાં પત્ની શર્મિલાને મળ્યા હતા. બંને દંપતી એમએનએસના પ્રમુખના ઘરની બાલ્કનીમાં વાત કરતાં જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને રાજ ઠાકરેની સાથે તેમના ઘરે લંચ પણ લીધું હતું.
બીજેપીનાં સૂત્રોએ આને સૌહાર્દપૂર્ણ પારિવારિક મુલાકાત ગણાવી હતી તો રાજકીય નિરીક્ષકોના મતે મુંબઈ સુધરાઈની ચૂંટણીને જોતાં આ મુલાકાત ઘણી મહત્ત્વની છે. રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈની શહેર સુધરાઈ પર શાસન કરતી આવી રહેલી શિવસેનાને મહાત કરવા પર બીજેપીની નજર છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સક્રિય કૅમ્પેન ચલાવનારા રાજ ઠાકરેએ વર્ષ ૨૦૨૦માં તેમના પક્ષના નવા ધ્વજનું અનાવરણ કરીને પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢવા બદલ એનડીએ સરકારને સમર્થન જાહેર કર્યું હતું.
રાજ્યના પક્ષપ્રમુખ ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર અને પ્રસાદ લાડ સહિત બીજેપીના ઘણા નેતાઓ પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજ ઠાકરેને મળ્યા હતા.

Mumbai mumbai news devendra fadnavis raj thackeray