દિવ્યાંગોને મળશે સ્પેશ્યલ ગાર્ડન

18 May, 2022 07:33 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

જુહુમાં આવેલા બીએમસીના ગાર્ડનમાં અડધા ભાગમાં તેમના માટે મુંબઈનું પહેલું ગાર્ડન તૈયાર કરવામાં આવશે: એક સામાજિક સંસ્થાએ મૂકેલા પ્રસ્તાવને આ માટે પરવાનગી આપી

દિવ્યાંગ બાળકો માટે આવાં સાધનો મૂકીને અલગથી ગાર્ડન તૈયાર કરવામાં આવશે.

મોટા ભાગની સાર્વજનિક જગ્યાએ દિવ્યાંગોને ખૂબ ઓછી સુવિધા મળતી હોય છે. એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે ગાર્ડન કે એવો પ્લેએરિયા નથી જ્યાં તેઓ મન મૂકીને પોતાની રીતે મજા માણી શકે. એમાં પણ બીએમસી દ્વારા એક પણ એવું ગાર્ડન નથી જે દિવ્યાંગો કે દિવ્યાંગ બાળકોની સવગડના હિસાબે બનાવવામાં આવ્યું હોય. એને કારણે દિવ્યાંગ બાળકોને પણ સામાન્ય બાળકો સાથે રમવું પડે છે, પરંતુ તેઓ શારીરિક રીતે એવી કોઈ રમત પણ રમી શકતાં નથી જેને કારણે ક્યાંય ને ક્યાંય તેમને હતાશાનો અનુભવ થતો હોય છે. એથી તેમણે પૈસા ખર્ચીને એવી જગ્યાએ જવું પડે છે જ્યાં તેમના માટે વિશેષ કોઈ ઍક્ટિવિટી હોય. જોકે હવે આ વિશેષ બાળકો અને દિવ્યાંગોને હતાશ થવાની કે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. બીએમસી દ્વારા દિવ્યાંગો માટે પહેલુંવહેલું અત્યાધુનિક વિશેષ ગાર્ડન તૈયાર કરવામાં આવશે. બીએમસી અને સામાજિક સંસ્થાના સહયોગથી દિવ્યાંગો માટે તેમની અનુકૂળતા રહે અને અડચણો આવે નહીં એ ધ્યાનમાં રાખીને અને ખાસ તેઓ રમી શકે એવી રમતો અને બેસવા-ફરવા માટે ગાર્ડન ઊભું કરવામાં આવશે. એક સામાજિક સંસ્થા દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને સુધરાઈ દ્વારા પરવાનગી આપવામાં આવી હોવાથી ટૂંક સમયમાં એનો લાભ લઈ શકાશે. 
મુંબઈમાં ભાગ્યે જ એવી જગ્યા હશે જે સ્પેશ્યલી ‘ડેડિકેટેડ ટુ દિવ્યાંગજનો’ હોય એટલે દિવ્યાંગજનો અને તેમની સંસ્થા અવારનવાર ફરિયાદ સુધ્ધાં કરતાં હોય છે. દિવ્યાંગોને લઈને અનેક કાયદાઓ પણ છે જેની ક્યાંય જ અમલબજવણી થતી જોવા મળશે. હોટેલ, પેટ્રોલ-પમ્પ વગેરે જગ્યાએ કાયદા પ્રમાણે દિવ્યાંગજનો માટે સુવિધા હોવી જોઈએ એ કરાતી નથી. જોકે બીએમસી હવે જાગી છે અને દિવ્યાંગો માટે મુંબઈનું પહેલું ગાર્ડન તૈયાર કરશે. બીએમસીના કે-વેસ્ટ વૉર્ડ અંતર્ગત જુહુ પર વિદ્યાનિધિ રોડ પર આવેલા બીએમસીના પ. પૂ. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર મનોરંજન મેદાનમાં તૈયાર કરવામાં આવશે. ઇનર વ્હીલ ઑફ બૉમ્બે ઍરપોર્ટ નામની સંસ્થા દ્વારા આવા ગાર્ડન વિશે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે. 
    આ વિશે વધુ માહિતી આપતાં કે-વેસ્ટ વૉર્ડના વૉર્ડ ઑફિસર પૃથ્વીરાજ ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ સામાજિક સંસ્થાએ દિવ્યાંગ બાળકો માટે ગાર્ડન તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ પ્રમાણે ગાર્ડનમાં દિવ્યાંગ બાળકો રમી શકે એવાં ઉપકરણો મૂકવામાં આવશે. ગાર્ડનમાં ફિઝિકલ ઍક્ટિવિટીનાં ઉપકરણો સાથે રમી અને શીખી શકે એવાં સાધનો, પ્રૉબ્લેમ સૉલ્વિંગ અને વિચારી શકે એવી પ્રવૃત્તિઓનાં સાધનો, સેલ્ફ-એક્સપ્રેશન અને બિહેવિયર કરાય એવી રમત, વિઝ્યુલાઇઝ્ડ કરી શકે, ફ્લોર પેન્ટેડ ગેમ્સ, માટીથી રમવાની ગેમ્સ એવી ૧૧ પ્રકારની રમત-ગમતનાં સાધનો મૂકીને તેમના માટે ગાર્ડન તૈયાર થશે તેમ જ જે જગ્યાએ બાળકોની સુરક્ષા માટે રબર મૅટની આવશ્યકતા હશે ત્યાં એ પણ લગાડવામાં આવશે. ગાર્ડનમાં બાળકોની વ્હીલચૅર સરળતાથી આવી-જઈ શકે એ માટે અલગથી રૅમ્પ બનાવવામાં આવશે. વ્હીલચૅર માટે એક અલગ જ પ્રવેશદ્વાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ બીએમસીનું પહેલું ગાર્ડન હશે જ્યાં આવી સુવિધા દિવ્યાંગ બાળકોને મળશે. આ પ્રોજેક્ટ માટે થનારો બધો ખર્ચ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે. હાલમાં આ ગાર્ડનમાં વ્યાયામ કરવા માટે ઓપન જિમનાં સાધનો, નાનાં બાળકો માટે રમવાનાં સાધનો વગેરે સુવિધા લોકો માટે ઉપલબ્ધ છે. એથી નાગરિકો અને બાળકો મોટા પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરે છે. એથી આ ગાર્ડનના અડધા ભાગમાં પડેલી ખુલ્લી જગ્યામાં દિવ્યાંગ બાળકો માટેનાં રમતગમતનાં વિશેષ સાધનો મૂકવામાં આવશે. આ ગાર્ડનમાં દિવ્યાંગ માટે અલગથી તેમના માટે જગ્યા અને પ્રવેશદ્વાર હોવાથી અન્ય બાળકો કે ત્યાં આવતા સિનિયર સિટિઝનને કોઈ અડચણ થશે નહીં.’    
ઑફિસરે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘ખુલ્લી હવા અને જગ્યામાં બાળકો રમશે તો તેઓ આનંદિત રહેશે અને તેમનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ગાર્ડનમાં મૂકવામાં આવનારાં રમતનાં સાધનોથી બાળકો કંઈ વિચારી અને પોતે કરી શકે એવી પ્રવૃત્તિઓ હશે. આ ગાર્ડનમાં આવીને તેમને ઘણું શીખવા પણ મળશે.’

કેવી રમતો રમી શકાશે?
આ ગાર્ડનમાં ફિઝિકલ ઍક્ટિવિટીનાં ઉપકરણો સાથે રમી અને શીખી શકે એવાં સાધનો, પ્રૉબ્લેમ સૉલ્વિંગ ગેમ્સ, વિચારી શકે એવી પ્રવૃત્તિઓનાં સાધનો, સેલ્ફ-એક્સપ્રેશન અને બિહેવિયર કરાય એવી રમત, વિઝ્યુલાઇઝ્ડ કરી શકે, ફ્લોર પેન્ટેડ ગેમ્સ, માટીથી રમવાની ગેમ્સ એવી અનેક રમતો હશે. ઉલ્લેખનીય છે કે આ ગેમ્સ વ્હીલચૅર પર બેસીને પણ રમી શકાય એવી પણ વ્યવસ્થા હશે.

 આ ગાર્ડનમાં મૂકવામાં આવનારાં રમતનાં સાધનોથી બાળકો કંઈ વિચારીને પોતે કરી શકે એવી પ્રવૃત્તિઓ હશે. - પૃથ્વીરાજ ચવાણ, કે-વેસ્ટ વૉર્ડના વૉર્ડ ઑફિસર 

Mumbai mumbai news preeti khuman-thakur