જરૂરરિયાતમંદો માટે ફંડ ભેગું કરનાર ગુજરાતી ગર્લને ધ ડાયના અવૉર્ડ

05 July, 2020 12:28 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

જરૂરરિયાતમંદો માટે ફંડ ભેગું કરનાર ગુજરાતી ગર્લને ધ ડાયના અવૉર્ડ

મીરા મેહતા

શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅર નામની એનજીઓ સેવા આપી રહેલી મીરા મહેતાને ‘ધી ડાયના’ અવૉર્ડથી એક જુલાઈએ સન્માનિત કરવામાં આવી હતી. પ્રિન્સેસ ડાયના ઑફ વેલ્સની યાદગીરીમાં ડાયના અવૉર્ડ ચૅરિટી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ધી ડાયના અવૉર્ડ એ ૯થી ૨૫ વર્ષના યુવાનોને તેમના માનવસેવાના સામાજિક કાર્ય બદલ પ્રદાન કરવામાં આવે છે.
કરુણાને તમારો સ્વભાવ બનાવો; શોખ, ટેવ કે મૂડ નહીં, એવું અમારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ હંમેશાં કહે છે એમ કહેતાં મીરા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે હું ૬ વર્ષની હતી ત્યારે મેં શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅર દ્વારા યોજાયેલા એક મેડિકલ કૅમ્પની મુલાકાત લીધી હતી ત્યારે મને હાથમાં ગિફ્ટ્સ આપીને ગુરુદેવ રાકેશભાઈએ કહ્યું હતું કે નાનાં બાળકોને ગિફ્ટ આપજે અને તેમને થૅન્ક યુ કહેજે, કેમ કે જરૂરિયાતમંદોને મદદ કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું છે એટલે થૅન્ક યુ કહેજે અને એ સમયે ગુરુજીએ મારામાં કરુણા અને સહાનુભૂતિના સંસ્કારનાં બીજ રોપ્યાં હતાં. જ્યારે હું ૮ વર્ષની હતી ત્યારે અમે ચૉકલેટ જમા કરીને એનું વેચાણ કર્યું હતું અને એક લાખ રૂપિયા જમા કર્યા હતા. ૧૨ વર્ષથી આજ સુધી હું દર વર્ષે ફન્ડ જમા કરીને જરૂરિયાતમંદોની મદદ કરું છું.’
મીરા મહેતાએ ‘મિડ-ડે’ને વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં હું નવી મુંબઈમાં આવેલી એમજીએમ કૉલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. હાલમાં કોવિડ-19 મહામારીમાં પણ શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅર નામની એનજીઓ સાથે મળીને હું કામ કરી રહી છું અને મેં ૩૩ લાખ રૂપિયા ભેગા કરીને અસહાય વર્ગને સહાય કરી છે. આ ઉપરાંત માઇગ્રન્ટ વર્કર્સને મુંબઈથી બિહાર જવા માટે બે બસ પણ સ્પૉન્સર કરાવવામાં સહયોગ આપ્યો હતો. લાખો રોજિંદા મજૂરોને ભોજન પૂરું પાડ્યું હતું. ૫૦ લાખ રૂપિયા એકઠા કરવાનું મારું ધ્યેય છે જેથી કોવિડ-19ના કપરા સમયમાં વધુમાં વધુ જરૂરિયાતમંદોને મદદ કરી શકાય. અત્યાર સુધીમાં મેં દોઢ કરોડ રૂપિયાનું ફન્ડ જમા કર્યું છે.’

urvi shah-mestry mumbai mumbai news