થાણેના વેપારીઓની માગણી અંતે પૂરી થઈ

14 August, 2020 09:16 AM IST  |  Mumbai Desk | Urvi Shah Mestry

થાણેના વેપારીઓની માગણી અંતે પૂરી થઈ

પ્રતીકાત્મક તસવીર

થાણેના વેપારીઓની ડિમાન્ડ હતી કે પી-૧ અને પી-૨ કાઢી નાખીને રોજ દુકાન સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી ખોલવા દો, જે બાબતે વેપારીઓ પ્રશાસન સાથે પત્રવ્યવહાર કરી રહ્યા હતા. આ બાબતે ગઈ કાલે બપોરે પોણાબે વાગ્યે વેપારીઓએ પાલકપ્રધાન એકનાથ શિંદે અને ટીએમસીના કમિશનર વિપિન શર્મા અને રુલિંગ પાર્ટી સાથે મીટિંગ યોજી હતી, જેમાં વેપારીઓએ પોતાની સમસ્યા રજૂ કરી અને દુકાનો સાતેય દિવસ ખોલવા માટે પ્રશાસનને અપીલ કરી હતી. પ્રશાસને વેપારીઓની સમસ્યાને સમજીને ગવર્નમેન્ટની ગાઇડલાઇનને ફૉલો કરીને ૧૫ ઑગસ્ટથી દુકાન સાતેય દિવસ ખોલવા લીલી ઝંડી આપી હતી.
થાણે વેપાર-ઉદ્યોગ મહાસંઘના સેક્રેટરી ભાવેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના કેસ હવે ઓછા થતા જાય છે અને તહેવારો પણ આવશે એટલે હવે પી-૧ અને પી-૨ કાઢી નાખીને રોજ દુકાનો ખોલવાની પરમિશન આપો એવું નિવેદન અમે પાલકપ્રધાન એકનાથ શિંદે સમક્ષ મીટિંગમાં મૂક્યું હતું. થાણેના કમિશનરે મીટિંગમાં કહ્યું હતું કે અમે પણ આ બાબતે ૧૦ દિવસથી ફૉલો-અપ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે થાણેના વેપાર-ઉદ્યોગ મહાસંઘની જે રિકવેસ્ટ આવી છે એના પર વિચાર કરી શકાય અને પાલકપ્રધાનને જો યોગ્ય લાગતું હોય તો ૧૫ ઑગસ્ટથી ચાલુ કરી શકાય.’

ગાઇડલાઇનને ફૉલો કરવી જરૂરી

પાલકપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘વેપારીઓની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે થાણેમાં પણ પી-૧ અને પી-૨ કાઢી નાખો અને રોજ સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવાની અનુમતિ આપો. વેપારીઓને ૧૫ ઑગસ્ટથી ફિઝિકલ ડિસ્ટન્સ રાખી સ્ટેટ ગવર્નમેન્ટની બધી જ ગાઇડલાઇનને ફૉલો કરવી જરૂરી છે. અગર દુકાનમાં ભીડ થઈ જશે તો એની જવાબદારી વેપારીઓની રહેશે અને નંબર વધી જશે તો ફરીથી અમને લૉકડાઉન કરવાની નોબત આવવી જોઈએ નહીં. એવી શરત પર અમે ૧૫ ઑગસ્ટથી દુકાનો ચાલુ કરવાની પરમિશન વેપારીઓને આપી છે.’

urvi shah-mestry mumbai mumbai news thane