કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે : શરદ પવાર

20 November, 2021 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે કૃષિ કાયદાઓ પસાર કરવાની પ્રક્રિયા શરૂ કરવાના હતા ત્યાં જ અમારી સરકારનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને નવી સરકાર રચાઈ.’

શરદ પવાર

એનસીપીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે જણાવ્યું હતું કે બીજેપીશાસિત કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ અને પંજાબની આગામી ચૂંટણીઓમાં પરાજયની બીકે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે વિરોધ નોંધાવી રહેલા ખેડૂતોને બિરદાવતાં કહ્યું હતું કે કાયદાઓ સામેની કિસાનોની એક વર્ષ લાંબી લડત ભુલાશે નહીં.
આ ઉપરાંત ત્રણ કૃષિ બિલોને મંત્રણા કર્યા વિના કે રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા વિના ઉતાવળે પસાર કરી દેવા બદલ કેન્દ્ર સરકારને તેમણે વખોડી હતી.
પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે ‘હું જ્યારે દસ વર્ષ સુધી કૃષિપ્રધાન હતો ત્યારે એ સમયના વિપક્ષ બીજેપીએ સંસદમાં કૃષિ કાયદાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કે કૃષિ એ રાજ્યનો વિષય હોવાથી અમે રાજ્યોને વિશ્વાસમાં લીધા વિના કે ચર્ચા વિના કોઈ નિર્ણય નહીં લઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મેં સ્વયં તમામ રાજ્યોના કૃષિપ્રધાનો અને મુખ્ય પ્રધાનો સાથે બે દિવસની બેઠક યોજી હતી અને તેમનાં સૂચનો નોંધ્યાં હતાં. અમે કૃષિ કાયદાઓ પસાર કરવાની પ્રક્રિયા શરૂ કરવાના હતા ત્યાં જ અમારી સરકારનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને નવી સરકાર રચાઈ.’

Mumbai mumbai news sharad pawar