ક્રાઇમ બ્રાન્ચે રિપબ્લિક TVના અધિકારીઓ સહિત ૬ જણને પૂછપરછ માટે બોલાવ્યા

11 October, 2020 12:32 PM IST  |  Mumbai | Mumbai correspondent

ક્રાઇમ બ્રાન્ચે રિપબ્લિક TVના અધિકારીઓ સહિત ૬ જણને પૂછપરછ માટે બોલાવ્યા

પ્રતીકાત્મક તસવીર

ટીઆરપી મામલામાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે રીપબ્લિક ટીવીના અધિકારીઓ સહિત કુલ ૬ જણને પૂછપરછ માટે પોલીસમાં હાજર થવાના સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ૬ લોકોમાં રિપ‌બ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાની, સીઓઓ હર્ષ ભંડારી, પ્રિયા મુખરજી અને ઘનશ્યામ સિંહ તથા ટીઆરપીનું સર્વે કરનારી એજન્સી હંસા રિસર્ચના સીઓઓની સાથે એક કર્મચારીનો સમાવેશ હોવાનું કહેવાય છે. સવારે ૯થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન આ તમામને એક પછી એક બોલાવાયા હોવાનું સમન્સમાં પોલીસે લખ્યું છે. આ સિવાય આ મામલામાં ફરાર ૬ આરોપીને શોધવા માટે મુંબઈ પોલીસની ટીમ ૬ રાજ્યમાં ગઈ હોવાનું કહેવાય છે.
બીજી તરફ, રિપબ્લિક ટીવીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (સીએફઓ)ને સમન્સ બજાવવા છતાં ટીઆરપી સાથે ચેડાંના રૅકેટ મામલે તેમનું નિવેદન નોંધાવવા માટે શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયા નહોતા અને આ કેસમાં ચૅનલે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હોવાનું જણાવ્યું હતું.
જોકે મેડિસન વર્લ્ડ અને મેડિસન કમ્યુનિકેશન્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સૅમ બલસારા તેમનું નિવેદન નોંધાવવા માટે શનિવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા.
ક્રાઇમ બ્રાન્ચનું સીઆઇયુ બનાવટી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ (ટીઆરપી) રૅકેટ કેસની તપાસ ચલાવી રહ્યું છે.
આ કેસમાં પોલીસે ગુરુવારે ફક્ત મરાઠી અને બૉક્સ સિનેમાના માલિકો સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચૅનલોએ ટીઆરપી સાથે ચેડાં કર્યાં હોવાનો દાવો કર્યો હતો.

mumbai mumbai news crime branch