પુણેમાં કોરોના કેસ વધારે, ત્યારે જૈન સંઘે બનાવેલું કોવિડ સેન્ટર ઉપયોગી

07 September, 2020 09:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

પુણેમાં કોરોના કેસ વધારે, ત્યારે જૈન સંઘે બનાવેલું કોવિડ સેન્ટર ઉપયોગી

જૈન સંઘે બનાવેલું કોવિડ સેન્ટર

મહારાષ્ટ્રના મુંબઈ પછીના બીજા નંબરના શહેર પુણેમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અત્યારે આ શહેર કોરોનાનું હૉટ-સ્પૉટ બની ગયું છે. દેશભરમાં પુણે જિલ્લો અને શહેર મળીને કોવિડના ૨ લાખ કેસ થવા આવ્યા છે. પ્રશાસનની તમામ વ્યવસ્થા ઓછી પડી રહી છે ત્યારે પુણેના સકલ જૈન સંઘે બે મહિના પહેલાં શરૂ કરેલું કોવિડ સેન્ટર ખૂબ જ ઉપયોગી બન્યું છે. ૧૦૬ પેશન્ટની કૅપેસિટીવાળા આ સેન્ટરમાંથી અત્યાર સુધી ૪૫૦ જેટલા દરદીઓ સાજા થઈને ઘરે ગયા છે. અહીં ડૉક્ટરથી માંડીને તમામ સુવિધા મામૂલી ચાર્જમાં પૂરી પડાતી હોવાથી કાયમ વેઈટિંગ રહે છે.

પુણેમાં માર્કેટ યાર્ડ પાસેના ગંગાધામ પરિસરમાં સકલ જૈન સંઘ વતી જય જિનેન્દ્ર પ્રતિષ્ઠાનના સાંસ્કૃતિક કેન્દ્રમાં ૨ જુલાઈ ૨૦૨૦ના રોજ કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. શરૂઆત ૫૦ બેડથી કરાઈ હતી, પરંતુ કોરોનાના કેસ વધવાની સાથે ડિમાન્ડમાં વધારો થવાથી બાદમાં ૧૦૬ બેડ ઉપલબ્ધ કરાવાયા છે. આ સેન્ટરમાં ઍડ્‌મિટ થયેલા કોરોનાના પેશન્ટોની સારવાર પુણેના જાણીતા ડૉક્ટરો મહેન્દ્ર કાવેડિયા, સંજય કટકે અને રાજ પુરોહિત કરે છે. સવારે પ્રભુ દર્શનથી માંડીને મોટિવેશનલ સ્પીચ અને સાત્વિક નાસ્તા-ભોજનની વ્યવસ્થા કરવાની સાથે બેડમિન્ટન, કૅરમ અને ચેસ અને પત્તા જેવી રમતોની સુવિધા કરાઈ છે. દરેક રૂમમાં ટીવી-સ્ટીમર, ઑક્સિજન અને પીપી કિટની સુવિધા છે.

સકલ જૈન સંઘના પ્રમુખ અચલ જૈન અને મહાસંઘના કારોબારી સભ્ય સતીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ જાતના જાતિ-ધર્મના ભેદભાવ વિના આ કોવિડ સેન્ટરમાં દરદીઓને ઍડ્‌મિટ કરાય છે. સામાન્ય ચાર્જમાં રહેવા-ખાવાની સાથે દવા અપાય છે. એમાં પણ કોઈ કહે કે આર્થિક સ્થિતિ સારી નથી તો તેમને વિનામૂલ્ય સેવા અપાય છે. સાતેક વર્ષ પહેલાં સાડાસાત એકરમાં બનાવાયેલા આ સાંસ્કૃતિક કેન્દ્રના માધ્યમથી દરદીઓને એક્સ-રે અને ઍમ્બ્યુલન્સની સુવિધા પણ અપાય છે.’

mumbai mumbai news pune pune news coronavirus covid19