લોહાણા સમાજના અગ્રણી પર ‍પિતરાઈ ભાઈએ ખંડણીનો આરોપ કરતાં ખળભળાટ

28 July, 2021 09:25 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીની જાણીતી શ્યામ ડેરીના માલિક ઉદય રુઘાણીએ કાકાના દીકરા સામે બે કરોડની ખંડણી, ફૉર્જરી અને છેતરપિંડીનો આક્ષેપ કરીને પોલીસમાં કરી ફરિયાદ

લોહાણા સમાજના અગ્રણી પર ‍પિતરાઈ ભાઈએ ખંડણીનો આરોપ કરતાં ખળભળાટ

કાંદિવલીના મથુરાદાસ રોડ પરની શ્યામ ડેરી અને શ્યામ ડેવલપર્સવાળા ઉદય રુઘાણીએ તેમના જ પિતરાઈ ભાઈ રશ્મિન રુઘાણી અને તેના દીકરા ઓમ રશ્મિન રુઘાણી સહિત અન્ય લોકો સામે બે કરોડ રૂપિયાની ખંડણી માગવાની અને જો એ રકમ ન આપી તો જાનથી મારી નાખવાની ધમકી તેમ જ ફૉર્જરી અને છેતરપિંડી સદંર્ભે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તેની એફઆઇઆર નોંધીને કેસની વધુ તપાસ કરી રહી છે. આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટેની અરજી કરાઈ છે અને કોર્ટે તેમની અરજી પર ૨૯ જુલાઈએ સુનાવણી રાખી છે. લોહાણા સમાજમાં અગ્રણી એવા રુઘાણી પરિવારની કાંદિવલીમાં પણ વર્ષોથી પ્રતિષ્ઠા છે. 
ઉદય રુઘાણીએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ‘કાંદિવલી (વેસ્ટ)ના પટેલનગરમાં તેઓ અન્ય ભાગીદાર સાથે મુંબઈ શેલ્ટર હનુમાન પ્રોજેક્ટ અંતર્ગત રીડેવલપમેન્ટ કરી રહ્યા છે. એ પ્રોજેક્ટમાં હાલ ચાર માળ સુધી ચણતર-બાંધકામ થઈ ગયું છે. હાલ પ્રોજક્ટ અન્ડર-કન્સ્ટ્રક્શન છે એથી એના લાભાર્થીઓમાંથી કોઈને પણ હજી સુધી તેમણે શ્યામ ડેવલપર્સના નામ હેઠળ કોઈ અલૉટમેન્ટ કર્યું નથી.’ 
ઉદય રુઘાણી અને તેમના પિતરાઈ ભાઈ રશ્મિન રુઘાણી આ પહેલાં દહિસરના એક રીડેવલપમેન્ટના પ્રોજક્ટમાં અને કાંદિવલીના લક્ષ્મી ટેરેસના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં ભાગીદાર હતા, પણ ૨૦૧૮થી તેમની વચ્ચે અણબનાવ થતાં એનો કેસ આર્બિટ્રેશનમાં ચાલી રહ્યો છે. 
ઉદય રુઘાણીએ ફરિયાદમાં કહ્યું છે કે રશ્મિન રુઘાણીએ પટેલનગરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ સંદર્ભે શ્યામ ડેવલપર્સના  લેટરહેડ પર બનાવટી અલૉટમેન્ટ લેટર બનાવીને એના ૫૦૩ અને ૫૦૪ નંબરના ફ્લૅટ જિનેશ વી. શાહ, રમેશ જે. ઠક્કર અને  ચેતનભાઈને ૧.૩૫ કરોડ રૂપિયામાં વેચ્યા હોવાનું તેમ જ એ સામે ૬૭.૫૦ લાખ રોકડ રકમ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. એ  સામે એ ફ્લૅટ અલૉટ કરાયા હોવાનું પણ એ લેટરમાં જણાવ્યું હતું. જોકે એ લેટર પર તેમણે મારી (ઉદય રુઘાણીની) બનાવટી સહી કરી હતી અને એ અલૉટમેન્ટ લેટર મેં આપ્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો. રશ્મિન રુઘાણી, તેમનો દીકરો ઓમ, જિનેશ શાહ, રમેશ ઠક્કર બધા જ મને બે કરોડ રૂપિયાની ખંડણી આપવા ધમકાવી રહ્યા છે અને  જો એ રકમ ન આપી તો મને અને મારા પરિવારને તેઓ મારી નાખશે એવી ધમકી આપી છે. ૨૧ જૂને તેમણે મને મલાડની આદર્શ લેનમાં આંતરીને બે કરોડની ખંડણી માગી હતી અને ન આપું તો મને અને મારા પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપી હતી. ૨૨ જૂને દહિસરમાં ઓવરીપાડા પાસે ફરી ધમકી આપી હતી. એથી મેં મલાડ પોલીસમાં તેમની સામે ફરિયાદ કરી છે.’ 
મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજય લિગાડેએ કહ્યું હતું કે ‘અમારી પાસે એક્સ્ટૉર્શનની ફરિયાદ નોંધાઈ છે. હાલ એ કેસમાં આરોપીઓએ આગોતરા જામીનની અરજી કરી છે જેની સુનાવણી ૨૯ જુલાઈ પર કોર્ટે ઠેલી છે.’
આરોપી રશ્મિન રુઘાણી સામે આ પહેલાં પણ ફરિયાદ કરવામાં આવી છે. ૨૦૦૯માં બોરીવલીના તત્કાલીન વૉર્ડ-ઑફિસર વિશ્વાસ શંકરવારના નામે ખોટી સહી કરવાના આરોપસર તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ સિવાય બોરીવલી પોલીસ સ્ટેશનમાં આ વર્ષની શરૂઆતમાં તેમની સામે ચીટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

અમારી સામે થયેલી ફરિયાદ ખોટી છે : રશ્મિન રુઘાણી
રશ્મિન રુઘાણીનો આ સંદર્ભે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે ખોટી ફરિયાદ કરી છે. તેમણે પાર્ટી પાસેથી પૈસા લીધા છે. તેમણે એક કેસમાં પોતાના પરના એલિગેશન હતા એ ડાઇવર્ટ કરવા માટે આ કાવતરું કર્યું છે. તેમણે ખોટાં ઍગ્રીમેન્ટ કરીને ફ્રૉડ કર્યું છે, જેમાં મારું આર્બિટ્રેશન પેન્ડિંગ છે. એથી એને ડીસ્ટ્રેક્ટ કરવા માટે તેમણે આ કર્યું છે.’ 

bakulesh trivedi Mumbai mumbai news