પોલીસ જવાનોનું હૈયું જીતી લીધું આ દંપતીએ

09 July, 2020 05:26 PM IST  |  Mumbai | Vishal Singh

પોલીસ જવાનોનું હૈયું જીતી લીધું આ દંપતીએ

નાકાબંધીની ડ્યુટી કરનારા પોલીસોને ચા-નાસ્તો આપતું દંપતી.

કોરોના લૉકડાઉન દરમ્યાન ચેમ્બુરના રહેવાસી ૪૮ વર્ષના રોઝમન્ડ ડિસોઝા અને ૪૫ વર્ષની સ્વિટી એક વખત ઘરની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા બહાર નીકળ્યાં ત્યારે પોલીસ જવાનોને મુશ્કેલી અને જોખમો વચ્ચે વૃદ્ધોને મદદ કરતા જોયા ત્યારથી તેઓને મદદરૂપ થવા ડિસોઝા દંપતી રોજ ચાર કલાક પોલીસોને ચા-નાસ્તો આપવા નીકળી પડે છે. રોજ સાંજે કારમાં નીકળે અને માનખુર્દ, ચેમ્બુર અને વડાલાના તમામ નાકાબંધી પૉઇન્ટ્સ પર બંદોબસ્ત જાળવતા પોલીસ જવાનોને ચા અને નાસ્તો આપતા હોય છે. હવે તો સોઝા દંપતી નાકાબંધી પૉઇન્ટ્સ પર ફૅમિલી-મેમ્બર જેવા બની ગયા છે.
રોઝમન્ડ ડિસોઝાએ તેમના સેવા યજ્ઞ વિશે જણાવ્યું હતું કે ‘લૉકડાઉન જાહેર કરાયા પછી અમે બન્ને ઘરની વસ્તુઓની ખરીદી માટે બહાર નીકળ્યાં હતાં અને બળબળતા તાપમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને જોઈને અમે વિચારમાં પડ્યા. અમને લાગ્યું કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડ્યુટી કરતા જવાનો માટે કઈક કરવું જોઈએ. પહેલાં અમે તે બધાને કોલ્ડ ડ્રિન્ક્સ વહેંચવાનું વિચાર્યું, પરંતુ રોગચાળામાં ઠંડાં પીણાં યોગ્ય ન જણાતાં અમે ચા પીરસવાનું નક્કી કર્યું હતું. ચા સાથે પરોઠાં વહેંચવાનું શરૂ કર્યું. રોજ બપોરે એક વાગ્યે અમે બન્ને ચા અને પરોઠાં કે બીજો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. લગભગ ત્રણેક વાગ્યે ચા ભરેલાં થરમોસ અને પરોઠાં પૅક કરીને કારમાં ગોઠવી દઈએ છીએ. કોરોનાનું વધારે જોખમ હોય એવા વિસ્તારોના આઠથી દસ નાકાબંધી પૉઇન્ટ્સ પર ફરીએ છીએ. સાંજે ત્રણથી સાત વાગ્યા સુધી કારમાં નાકાબંધી પૉઇન્ટ્સ પર ફરતાં-ફરતાં ૧૦૦ કરતાં વધારે ક્યારેક ૧૨૫ જેટલા પોલીસ જવાનોને ચા-નાસ્તો પીરસીએ છીએ. આ સેવા યજ્ઞને ૧૦૦ દિવસોથી વધારે વખત થયો. વાવાઝોડા કે વરસાદમાં સમય પર ચા-નાસ્તો આપવાનું કામ અટક્યું નથી. પોલીસ જવાનો જોડે લાગણીનો સંબંધ બંધાયો છે. એક પોલીસ જવાને અમને કેરીનું બૉક્સ ભેટમાં આપ્યું હતું.’

vishal singh mumbai mumbai news