મુંબઈમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં બે ભાગ પડાયા

16 May, 2020 08:39 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં બે ભાગ પડાયા

તસવીર: સતેજ શિંદે

કોરોના વાઇરસના રોગચાળા વિરોધી કાર્યવાહીમાં માનવબળના સક્ષમ ઉપયોગ અને પ્રભાવક રીતે પગલાં લેવાની દૃષ્ટિએ મુંબઈ મહાનગરપાલિકાએ કન્ટેઇનમેન્ટ ઝોનના બે ભાગ પાડ્યા છે. એક ગીચ વિસ્તારોનો ભાગ અને બીજો મોકળાશવાળો કામ કરી શકાય એવાં મકાનોનો ભાગ છે. જે વિસ્તારોમાં અનેક કન્ટેઇનમેન્ટ ઝોન હોય એવી ઝૂંપડપટ્ટીઓને મહાનગરપાલિકાએ સીલ કરી હોવાથી કન્ટેઇનમેન્ટ ઝોનનો એકંદર આંકડો અગાઉ કરતાં અડધો થઈ ગયો છે. આ સંજોગોમાં પણ ૧૨૦૦ કરતાં વધારે મકાનોમાં લોકો આવતા ૧૪ દિવસો સુધી ઘરની બહાર નીકળી નહીં શકે.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે જ્યાં એક પણ જણ કોવિડ-૧૯ પૉઝિટિવ મળે એ સમગ્ર વિસ્તારને મહાનગરપાલિકા સીલ કરે છે. ૯ મેએ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૨૬૪૩ હતી, જે વેગપૂર્વક કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધતી હતી એ જોતાં અત્યારે એનો આંકડો ૩૦૦૦થી આગળ વધી ગયો હોત. નવી યાદી મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૯૬૩ છે. એમાંથી ૬૯૨ ઝૂંપડપટ્ટી વિસ્તારો છે. ૨૪ વૉર્ડમાંથી ૯ વૉર્ડમાં દરદીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે અને એમાં ધારાવી, વડાલા અને અંધેરી (પશ્ચિમ) ટોચ પર છે.
કન્ટેઇનમેન્ટ ઝોન મૅનેજમેન્ટનો અખત્યાર સંભાળતાં મુંબઈ મહાનગરપાલિકાનાં એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે ‘કર્મચારીઓને તહેનાત કરવા અને કામગીરીની વહેંચણીની દૃષ્ટિએ અમે કન્ટેઇનમેન્ટ ઝોનની વ્યવસ્થામાં વ્યવહારુ અભિગમ અપનાવવા ઇચ્છીએ છીએ. અનેક કન્ટેઇનમેન્ટ ઝોનની વચ્ચે જે ભાગ છૂટી જતા હોય અને જે ભાગ પર નિગરાણી રાખવી મુશ્કેલ બનતી હોય એ વિસ્તારોને આવરી લેવાના ઉદ્દેશથી કન્ટેઇનમેન્ટ ઝોનની આકારણી અને સીમાંકનની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે.’
મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ૧૩૦૦ કન્ટેઇનમેન્ટ ઝોન હતા, પરંતુ હવે એ આંકડો અડધો થઈ ગયો છે. જી-નોર્થ વૉર્ડમાં સૌથી વધારે કેસ નોંધાયા છે અને એમાં ધારાવીમાં ૧૦૦૦ કેસ છે. એ સ્થિતિમાં વ્યવહારુ સીમાંકનને પગલે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે.

prajakta kasale mumbai mumbai news lockdown coronavirus covid19