કૉન્ગ્રેસે ફરી એકલા ચૂંટણી લડવાનો રાગ આલાપ્યો

20 June, 2021 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપી અને શિવસેના સાથે રહેવાની વાત કરી રહ્યાં છે ત્યારે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે ‘દેખતે હૈં કિસમેં કિતના હૈ દમ’નું આહ્‌વાન આપ્યું

એક કાર્યક્રમમાં સંબોધન કરી રહેલા મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ.

મહાવિકાસ આઘાડીમાં શિવસેના અને એનસીપી દરેક ચૂંટણી સાથે લડવાની યોજના બનાવી રહ્યાં છે ત્યારે આ સરકારમાં સામેલ ત્રીજા પક્ષ કૉન્ગ્રેસ સ્વતંત્ર ચૂંટણી લડવાનો રાગ આલાપી રહ્યો છે. પક્ષના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ગઈ કાલે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે કૉન્ગ્રેસને ત્રીજો પક્ષ ગણાવાઈ રહ્યો હોવાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમને એકલા લડવા દો, જોઈએ કોનામાં કેટલો દમ છે’ એવું આહ્‌વાન કર્યું હતું. પોતાને સ્વતંત્ર ચૂંટણી લડવા દેવાની માગણી પક્ષના મહારાષ્ટ્ર પ્રભારી એચ. કે. પાટીલ સમક્ષ કરી હતી. 
રાહુલ ગાંધીના જન્મદિવસને સંકલ્પ દિન તરીકે ઊજવવાનો નિર્ણય કૉન્ગ્રેસે કર્યો છે. આ દિવસ નિમિત્તે રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવવાનો નિશ્ચય કૉન્ગ્રેસના નેતાઓએ કર્યો છે. આ સંબંધે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૉન્ગ્રેસને મહાવિકાસ આઘાડીનો ત્રીજો પક્ષ ગણાતો હોવાનું તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આગામી ચૂંટણીમાં અમને સ્વબળે ચૂંટણી લડવાની માગણી તેમણે પ્રભારી સમક્ષ કરી હતી. તેમણે પોતાનો આ સંદેશ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પહોંચાડવાની વિનંતી પણ કરી હતી. 

લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી મહાવિકાસ આઘાડીના માધ્યમથી એકસાથે લડવામાં આવશે એમ તાજેતરમાં એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું હતું. શિવસેનાએ પણ તેમના સૂરમાં સૂર મિલાવ્યો હતો, પણ મહાવિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપ ‘એકલા ચલો’નો નારો આપી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીને હજી સમય છે, અત્યારથી કંઈ પણ બોલવું યોગ્ય નથી : પ્રફુલ પટેલ

શિવસેના અને કૉન્ગ્રેસે છેલ્લા કેટલાક દિવસથી વિધાનસભાની આગામી ચૂંટણી સ્વબળે અને આઘાડીમાં લડવા માટેની શરૂઆત કરી છે. આ બાબતે એનસીપીના નેતા પ્રફુલ પટેલે શિવસેનાના નેતા સંજય રાઉત અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને સલાહ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ચૂંટણીને હજી ઘણો સમય છે. અત્યારથી જ સાથે લડીશું કે નહીં અથવા મુખ્ય પ્રધાન કોણ હશે એની વાતો કરવાનો કોઈ અર્થ નથી. આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે એટલે ૨૦૨૩માં જ આ વિશે ચર્ચા થવી જોઈએ. એ સમયે મહાવિકાસ આઘાડીમાં સંકળાયેલા તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ જે ફૉર્મ્યુલા નક્કી કરશે એને આધારે આગળનો નિર્ણય લેવાશે.’

Mumbai Mumbai news congress