મહિલા આઇપીએસ અધિકારી મફતમાં બિરયાની મગાવતાં હોવાની ક્લિપ વાઇરલ થતાં હોબાળો

31 July, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે કમિશનરને તપાસ કરીને રિપાર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો : મહિલા અધિકારીએ તેમની ખિલાફ કાતવરું હોવાનો દાવો કર્યો

મહિલા આઇપીએસ અધિકારી મફતમાં બિરયાની મગાવતાં હોવાની ક્લિપ વાઇરલ થતાં હોબાળો

પુણે પોલીસનાં એક મહિલા સનદી અધિકારી તેમના હાથ નીચેના કર્મચારીને ફેમસ હોટેલમાંથી ફ્રીમાં મટન બિરયાની લાવવાનું કહેતાં હોવાનો ઑડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે કહ્યું હતું કે તેમણે આ મામલામાં પુણેના પોલીસ કમિશનરને તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું છે. ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે પત્રકારોને કહ્યું હતું કે ‘મેં ઑડિયો-ક્લિપ સાંભળી છે. આ ગંભીર બાબત છે. મેં કમિશનરને આ મામલે તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર આ બાબતે જરૂરી કાર્યવાહી કરશે.’
વાઇરલ થયેલી ઑડિયો-ક્લિપમાં ડેપ્યુટી કમિશનર રેન્કનાં મહિલા પોલીસ અધિકારી પોતાના હાથ નીચેના એક કર્મચારીને કહેતાં સંભળાય છે કે ‘પુણેના ઝોન-૧માં આવેલા વિશ્રામબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બિરયાની માટે ફેમસ હોટેલમાંથી તે બિરયાની લઈ આવે. બિરયાની દેશી ઘીમાં બનાવવાનું કહેજો. હોટેલમાં પેમેન્ટનો પ્રશ્ન આવે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાથે વાત કરજો. આપણી હદમાં આપણે પેમેન્ટ કરવાની જરૂર નથી લાગતી.’ ઑડિયોમાં હાથ નીચેનો ઇન્સ્પેક્ટર કહે છે કે બહારથી મગાવાતા ફૂડનું તેઓ કાયમ પેમેન્ટ કરે છે. ત્યારે મહિલા અધિકારી એવું કહેતાં સંભળાય છે કે ‘સમસ્યા શું છે? સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં હોટેલ આવેલી છે એટલે તે પેમેન્ટ કરી દેશે.’
આ ઑડિયો વાઇરલ થયા બાદ એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં આ મહિલા પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે ‘ઑડિયો-ક્લિપમાં છેડછાડ કરાઈ છે. સિનિયર પોલીસ અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ ઑડિયો-ક્લિપ સામે આવી છે. મને બદનામ કરવાનું આ કાવતરું છે. આ ઝોનમાં અનેક પોલીસ અધિકારીઓ અનેક વર્ષથી છે. આ ઝોનમાં તેમના આર્થિક રસ સંકળાયેલા છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ અહીં પહેલાં કામ કરી ચૂક્યા છે તેઓ આમાં સંકળાયેલા છે. મેં અહીંની કેટલીક ખોટી ગતિવિધિઓ બંધ કરાવી હોવાથી અહીંના કેટલાક અધિકારીઓ મને અહીંથી આઉટ કરવા માગે છે. હું આ મામલાની સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવાની છું.’

Mumbai Mumbai news