સેસ્ડ બિલ્ડિંગ્સ રીડેવલપમેન્ટ માટે પ્રધાન મંડળે 3 વર્ષની મુદત નક્કી કરી

13 August, 2020 10:49 AM IST  |  Mumbai Desk | Dharmendra Jore

સેસ્ડ બિલ્ડિંગ્સ રીડેવલપમેન્ટ માટે પ્રધાન મંડળે 3 વર્ષની મુદત નક્કી કરી

જર્જરીત ઇમારત ધરાશાયી થતાં ઘણા લોકોએ જીવ ગુમાવવો પડે છે. : પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે સેસ્ડ બિલ્ડિંગ્સના રીડેવલપમેન્ટની કામગીરી ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના પ્રધાન મંડળે રીડેવલપમેન્ટ રૂલ્સમાં સુધારાને મંજૂરી આપતાં જણાવ્યું હતું કે જર્જરિત સેસ્ડ બિલ્ડિંગના રહેવાસીઓ માટે નવું બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ કર્યાનાં ત્રણ વર્ષમાં બંધાઈ જવું જોઈએ. આ સુધારાને વિધાનસભાના આગામી સત્રમાં મંજૂરી મળ્યા પછી શરૂ ન થયા હોય એવા, અટકી પડેલા અને અધૂરા પ્રોજેક્ટ્સને નવી જોગવાઈઓ લાગુ પડશે. નવી જોગવાઈથી ૧૪૫૦૦ સેસ્ડ બિલ્ડિંગ્સને લાભ થવાનો અંદાજ છે.
પ્રધાન મંડળે આઠ સભ્યોની વૈધાનિક સમિતિની ભલામણોને આધારે સુધારાને મંજૂરી આપી હતી. શહેરમાં જર્જરિત-સેસ્ડ બિલ્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓને પગલે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવા અને અસરગ્રસ્તોને નવાં ઘર વહેલી તકે મળે એ માટે મ્હાડાના નિયમોમાં સુધારા બાબતે સૂચનો-ભલામણો કરવા ૨૦૧૬ની ૨૯ ઑક્ટોબરે આઠ સભ્યોની વૈધાનિક સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાનની ઑફિસે જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)ને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ પ્રાપ્ત થયા પછી ત્રણ વર્ષની મુદતનો આરંભ થશે. મ્હાડા માટે ત્રણ વર્ષની ડેડલાઇન જાળવવાનું ફરજિયાત થયું છે. લાભાર્થી ૧૪૫૦૦ જેટલાં સેસ્ડ બિલ્ડિંગ્સમાં વિલંબમાં પડેલા, અટકી ગયેલા અને બિલ્ડર્સે ત્યજી દીધેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ છે. રહેવાસીઓને ભાડાં ન ચૂકવતા હોય અને ટ્રાન્ઝિટ અકૉમોડેશન પણ ઉપલબ્ધ ન કરાવતા બિલ્ડર્સના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ છે. કેટલાક કિસ્સામાં ડેવલપર્સે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટનાં ધારાધોરણો-નિયમોનો ભંગ કર્યો છે અને મહાનગરપાલિકાની નોટિસો મળ્યા છતાં કોઈ કાર્યવાહી આગળ ધપાવી નથી.

dharmendra jore mumbai mumbai news