દહિસરના મંદિરમાં ચોરી કરનારા ૨૪ કલાકમાં જ પકડાઈ ગયા

03 July, 2022 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાલીમાતાના મંદિરમાંથી ૧.૯૭ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાંની ચોરી થઈ હતી

૨૪ કલાકમાં જ ચોરોને પકડી માતાજીનાં ઘરેણાં હસ્તગત કરનાર દહિસર પોલીસની ટીમને ડેપ્યુટી કમિશનર સોમનાથ ઘાર્ગેએ અભિનંદન આપ્યાં હતાં.

દહિસર-ઈસ્ટમાં આનંદનગર પાસે લિન્ક રોડ પર ગુરુદ્વારા સામે આવેલા કાલીમાતાના ​મંદિરમાંથી ૨૯ જૂને માતાજીને શણગારમાં ચડાવવામાં આવેલાં સોનાનાં ૧.૯૭ લાખનાં ઘરેણાંની ચોરી થઈ હતી. દહિસર પોલીસે ઝડપી તપાસ કરી ચોરોને માત્ર ૨૪ કલાકની અંદર જ પકડી લીધા હતા. એટલું જ નહીં, તેમની પાસેથી ચોરાયેલાં ઘરેણાં પણ પાછાં મેળવ્યાં હતાં. માતાજીનાં ઘરેણાં ચોરાયાં હોવાની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં તરત જ એની તપાસ શરૂ કરવામાં આવી હતી. દહિસર પોલીસે આજુબાજુના ૧૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં એમાં બેથી ત્રણ જણની શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવી હતી. એ પછી એ ફુટેજના આધારે ખબરી નેટવર્કમાંથી માહિતી મેળવવામાં આવતાં આરોપી અજય સંદેશ ચાળકે ઉર્ફે ચીકા અને ફૈઝાન યામિન શેખની ઓળખ પાકી કરાઈ હતી. બન્ને આરોપીઓ દહિસર-ઈસ્ટના સંભાજીનગરમાં રહે છે. પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. જોકે આ ચોરીમાં તેમની સાથે સગીર વયના બે છોકરાઓ પણ સામેલ હતા. આરોપીઓ પાસેથી ચોરાયેલાં ઘરેણાં પાછાં હસ્તગત કરાયાં છે. ફૈઝાન સામે આ પહેલાં મોટરસાઇકલની ચોરીનો કેસ પણ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

Mumbai mumbai news dahisar Crime News