૩૮ લોકોનો ભોગ લેનારી ઇમારત ગેરકાયદે હતી

11 October, 2020 11:14 AM IST  |  Mumbai | Mumbai correspondent

૩૮ લોકોનો ભોગ લેનારી ઇમારત ગેરકાયદે હતી

૩૮ લોકોનો ભોગ લેનારી ઇમારત ગેરકાયદે હતી

૨૧ સપ્ટેમ્બરની વહેલી સવારે ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં આવેલું જિલાની બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ૩૮ લોકોનો જીવ લેનારી આ ઘટના માટે બિલ્ડર, રહેવાસીઓ અને પાલિકાના કેટલાક અધિકારીઓ જવાબદાર હોવાનું તપાસ સમિતિએ ‌ભિવંડી-નિજામપુર નગરપાલિકાના કમિશનરને સોંપેલા રિપોર્ટમાં જણાવાયું છે. ઇમારત બાંધવા માટે અનેક મંજૂરીઓ ન લેવાઈ હોવાનું આ રિપોર્ટમાં નોંધાયું છે.
ભિવંડીમાં ૨૧ સપ્ટેમ્બરની વહેલી સવારે ત્રણેક વાગ્યે જિલાની નામની ઇમારત તૂટી પડી હતી, જેમાં ૩૮ લોકોના જીવ ગયા હતા અને ૨૫ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટના માટે તપાસ સમિતિ બનાવાઈ હતી, જેણે કરેલી તપાસમાં જણાયું છે કે સરકારના નિર્દેશ મુજબ માર્ચ અને એપ્રિલમાં જોખમી ઇમારતોની યાદી પાલિકાએ બનાવવાની હોય છે, બાદમાં જોખમને આધારે સી-૧ અને સી-૨ કૅટેગરીની નોટિસ મોકલવાની હોય છે, જે કરાયું નહોતું. પાલિકાના અધિકારીઓ બેદરકાર રહ્યા હતા. એટલું જ નહીં, જિલાની ઇમારત જોખમી જાહેર કરાયા બાદ એને ખાલી કરાવવા માટે પોલીસને પત્ર લખીને માહિતી આપવાની રહે છે એ પણ નહોતી અપાઈ.
તપાસ સમિતિએ રિપોર્ટમાં એમ પણ લખ્યું હોવાનું કહેવાય છે કે જિલાની ઇમારત તૂટી પડવા માટે બિલ્ડર, રહેવાસીઓ અને પાલિકાના અધિકારીઓ દોષી હોવાનું સ્પષ્ટ થાય છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય એ માટે જોખમી ઇમારતો માટેના નિયમો પણ તપાસ સમિતિએ પ્રશાસનને સોંપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૧ સપ્ટેમ્બરે વહેલી સવારે જિલાની બિલ્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં ૩૮ લોકોના જીવ જવાની સાથે ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા બાદ ભિવંડી-નિજામપુરા નગરપાલિકાના કમિશનર ડૉ. પંકજ આશિયાએ પ્રભાગ અધિકારી અને જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવાની સાથે ઍડિશનલ કમિશનર ઓમપ્રકાશ દિવટેની અધ્યક્ષતામાં તપાસ સમિતિ નીમી હતી.
સ‌‌મિતિએ રિપોર્ટમાં નોંધ્યું હોવાનું કહેવાય છે કે ૧૯૭૫માં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી ત્યારે જિલાની બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું. એ સમયે કે બાદમાં બાંધકામ કરવાની પરવાનગી નહોતી અપાઈ. આથી જિલાની બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થાય છે.

mumbai mumbai news