માલવણીની મકાન હોનારતમાં મૃત્યુ પામેલાં બન્ને કોરોના ઇન્ફેક્ટેડ હતાં

20 July, 2020 01:35 PM IST  |  Mumbai Desk | Samiullah Khan

માલવણીની મકાન હોનારતમાં મૃત્યુ પામેલાં બન્ને કોરોના ઇન્ફેક્ટેડ હતાં

ફૈઝ સૈયદ

મલાડના માલવણી વિસ્તારમાં ગયા ગુરુવારની મકાન હોનારતમાં મૃત્યુ પામેલા બન્ને જણ કોરોના ઇન્ફેક્ટેડ હોવાનું મહાનગરપાલિકાના પી-નૉર્થ વૉર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું. ૧૮ વર્ષના વિદ્યાર્થી ફૈઝ સૈયદ અને ૨૩ વર્ષની ગૃહિણી અંજુમ શેખનો કોરોના ટેસ્ટ રિપોર્ટ તેમના મૃત્યુ બાદ મળ્યો હતો. શનિવારે કોરોના ટેસ્ટ રિપોર્ટ મળ્યા બાદ તેમના કુટુંબીજનોએ બન્નેની દફનવિધિ કરી હતી. રિપોર્ટને ધ્યાનમાં લેતાં ફૈઝ અને અંજુમના પરિવારોને રવિવારે ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.
ફૈઝ સૈયદ દાલમિયા કૉલેજમાં બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (BMS)ના પહેલા વર્ષમાં પાસ થયા બાદ તેણે બીજા વર્ષનું રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ચોવીસ કલાકમાં મકાન દુર્ઘટના બની હતી. વળી ગુરુવારે પરિવારમાં ફૈઝના પપ્પાના પોસ્ટ બર્થ-ડે સેલિબ્રેશનનું સરપ્રાઇઝ પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાથી બધા ખૂબ ઉત્સાહમાં હતા. ફૈઝના પપ્પા મુંબઈના એક પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને અઠવાડિયે એક દિવસ ઘરે જતા હોય છે. યોગાનુયોગ ગુરુવારે જ મકાનનો હિસ્સો તૂટી પડ્યો હતો. દુર્ઘટના વેળા ફૈઝ સૂતો હતો. અંજુમ શેખના મકાનનો તૂટી પડેલો ભાગ તેમના ઘર પર પડ્યો હતો અને એમાં ફૈઝ દબાઈ ગયો હતો. અંજુમ છ મહિનાની સગર્ભા હતી અને એક અઠવાડિયા પહેલાં પિયર (માલવણી)માં આવી હતી.
દુર્ઘટના વેળા અંજુમ રસોડામાં હતી અને પરિવારના અન્ય સભ્યો બેડરૂમમાં હતા. એ વખતે મકાનનો રસોડા તરફનો ભાગ તૂટ્યો હતો. અંજુમ અને ફૈઝના પરિવારના સભ્યો સહિત ૧૪ જણને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ અંજુમ અને ફૈઝને કાટમાળ નીચેથી કાઢીને તાકીદે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યાં બન્નેને દાખલ કરતાં પહેલાં ડૉક્ટરોએ તપાસીને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં.
રાજ્ય સરકારે મલાડના માલવણી અને દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારના ભાનુશાલી બિલ્ડિંગની હોનારતોના દરેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. સહાયની રકમના ચેક આજે તેમના કુટંબીજનોને પહોંચાડવામાં આવનાર હોવાનું મુંબઈ શહેરના પાલકપ્રધાન અસલમ શેખે જણાવ્યું હતું.

samiullah khan mumbai mumbai news