આખરે BJPએ સાતારામાં છત્રપતિ શિવાજી મહારાજના ૧૩મા વંશજને મેદાનમાં ઉતાર્યા

17 April, 2024 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદયનરાજે ભોસલે આ બેઠક પરથી ત્રણ વાર NCPના ઉમેદવાર તરીકે જીત્યા હતા, પણ BJPમાં ગયા પછી હારી ગયા હતા

ઉદયનરાજે ભોસલે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી જેમાં મહારાષ્ટ્રમાંથી એકમાત્ર સાતારા બેઠક પર છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેની પસંદગી કરવામાં આવી છે. આ બેઠક મેળવવા માટે ઉદયનરાજે ઇચ્છુક હતા અને તેમણે આ સંબંધે દિલ્હી જઈને BJPના વરિષ્ઠ નેતાઓની મુલાકાત પણ કરી હતી. જોકે આ મુલાકાત પછી પણ ઉમેદવારી જાહેર કરવામાં ન આવતાં તેમને ઉમેદવારી આપવામાં આવશે કે નહીં એવી ચર્ચા શરૂ થઈ હતી. આ બેઠક માટે અજિત પવાર પણ આગ્રહી હતા એટલે મહાયુતિના સત્તાધારી પક્ષો વચ્ચે લાંબી ખેંચતાણ થઈ હતી. બાદમાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજને જ ટિકિટ ફાળવવામાં આવે એવી મહારાષ્ટ્રના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોની ઇચ્છા હોવાનું જણાઈ આવતાં તેમની ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં ૭ મેએ મતદાન થશે, જેમાં ઉદયનરાજેનો મુકાબલો શરદચંદ્ર પવાર પાર્ટીના ઉમેદવાર શશિકાંત શિંદે સાથે થશે.

ઉલ્લેખનીય છે કે ૧૯૬૬ની ૨૪ ફેબ્રુઆરીએ જન્મેલા ઉદયનરાજે ભોસલે હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ અને ૧૭મા છત્રપતિ છે. મહારાષ્ટ્રની જનતા તેમને આજે પણ છત્રપતિ તરીકે જ જુએ છે અને આદર આપે છે. ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી સાતારાની બેઠક પરથી સતત ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા. જોકે બાદમાં તેમણે સંસદસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એ પછી ઑક્ટોબર ૨૦૧૯માં સાતારા લોકસભા બેઠકની પેટાચૂંટણી થઈ હતી એમાં તેમનો NCPના ઉમેદવાર શ્રીનિવાસ પાટીલ સામે પરાજય થયો હતો. ૨૦૨૦માં BJPએ તેમને રાજ્યસભામાં 
મોકલ્યા હતા.

mumbai news mumbai satara Lok Sabha Election 2024 bharatiya janata party eknath shinde shivaji maharaj