શિવસેનામાં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો

22 June, 2022 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ અને ગણેશ નાઈકે પણ પક્ષના નેતૃત્વ સાથે મતભેદ થયા બાદ સેનાને રામરામ કરેલું, એકનાથ શિંદે ૩૫ જેટલા વિધાનસભ્યો સાથે બહાર પડ્યા

રાજ ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ


સોમવારે વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારના એક ઉમેદવારનો પરાજય થવાનો આંચકો લાગ્યા બાદ શિવસેનાના એકનાથ શિંદેએ પક્ષમાં બળવો કરતાં રાજકીય ધરતીકંપ આવ્યો છે. એકનાથ શિંદે ૩૫ જેટલા વિધાનસભ્યો સાથે સુરતની હોટેલમાં પહોંચ્યા બાદ તેમનો સંપર્ક ન થતાં શિવસેનાને સૌથી મોટો આઘાત લાગતાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક પક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. શિવસેનાના ૫૬ વર્ષના ઈતિહાસમાં અનેક વખત બળવા થયા છે, પરંતુ એકનાથ શિંદેનો બળવો અત્યાર સુધીનો સૌથી મોટો છે.

૧૯૯૧: છગન ભુજબળ
શિવસેનાએ ૧૯૯૮માં હિન્દુત્વના મુદ્દે બીજેપી સાથે યુતિ કરી હતી. ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત શિવસેનાના બાવન વિધાનસભ્યો ચૂંટાઈ આવેલા. એ સમયે મનોહર જોશી સાથે મતભેદ હોવાને કારણે ૯ વિધાનસભ્યો સાથે નાગપુરના અધિવેશનમાં શિવસેનાને રામરામ કર્યા હતા.

૧૯૯૫: ગણેશ નાઈક
૧૯૯૦માં પહેલી વખત ચૂંટાઈ આવ્યા બાદ ૧૯૯૫માં બીજી વખત શિવસેના-બીજેપીની યુતિની રાજ્યમાં સ્થાપના થઈ હતી. એ સમયે ગણેશ નાઈકને પર્યાવરણ મંત્રાલય આપવાની સાથે થાણેના પાલકપ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં મનોહર જોશી અને નારાયણ રાણેને બાળાસાહેબે મુખ્ય પ્રધાન બનાવતાં ગણેશ નાઈકે તમામ પદ પરથી રાજીનામું આપીને શિવસેના છોડી હતી. 

૨૦૦૫: રાજ ઠાકરે
બાળાસાહેબ ઠાકરેના ખરા રાજકીય વારસદાર રાજ ઠાકરેને માનવામાં આવતા હતા. જોકે ૩૦ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ શિવસેનાના મહાબળેશ્વરમાં મળેલા અધિવેશનમાં રાજ ઠાકરેને બદલે ઉદ્ધવ ઠાકરેને કાર્યાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેઓ જ બાળાસાહેબ ઠાકરેના વારસદાર હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી રાજ ઠાકરેએ શિવસેનાનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું અને એમએનએસની સ્થાપના કરી હતી.

૨૦૦૫: નારાયણ રાણે
મહારાષ્ટ્રમાં મનોહર જોષી બાદ શિવસેનાના બીજા મુખ્ય પ્રધાન બનેલા નારાયણ રાણેને ઉદ્ધવ ઠાકરે સાથે મતભેદ થયા બાદ તેમણે શિવસેનાને રામરામ કરીને કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. 

૧૯૯૫: શિવસેનામાં જૂથબાજી
૧૯૯૫માં રાજ્યમાં પહેલી વખત બીજેપી સાથેની યુતિ કરીને શિવસેના સત્તામાં આવી હતી. જોકે એ સમયે પક્ષમાં બે જૂથ પડી ગયાં હતાં. એક તરફ ઉદ્ધવ ઠાકરે, મનોહર જોશી અને સુભાષ દેસાઈ હતા તો બીજા જૂથમાં રાજ ઠાકરે, નારાયણ રાણે અને સ્મિતા ઠાકરે હતા.

mumbai news narayan rane raj thackeray