એટીએસનો સહયોગ માગ્યો હતો, પણ તેણે કરી ટેરરિસ્ટની અરેસ્ટ

19 September, 2021 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોગેશ્વરીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદીની માહિતી દિલ્હી પોલીસે આપી, પણ સહયોગ કરવાને બદલે મહારાષ્ટ્ર એટીએસે તપાસમાં અડચણ ઊભી કરીને પોતે તાબો મેળવતાં દિલ્હી પોલીસ નારાજ થઈ છે

પ્રતીકાત્મક તસવીર

ચાર દિવસ પહેલાં દિલ્હીમાં છ આતંકવાદીઓની ધરપકડ કરાયા બાદ શુક્રવારે રાત્રે મુંબઈમાંથી વધુ એક શંકાસ્પદ આતંકવાદીની મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ) અને મુંબઈ પોલીસે સંયુક્ત રીતે કરેલી કાર્યવાહીમાં ધરપકડ કરી હતી. ઝાકિર હુસેન શેખ નામનો આ આતંકવાદી જોગેશ્વરીમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ તેને શુક્રવારે મોડી રાત્રે ઝડપી લેવાયો હતો. આ આતંકવાદી પાકિસ્તાનમાં છુપાયેલા અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનિસના સંપર્કમાં હતો. તે ધારાવીમાં રહેતા આતંકવાદી જાન મોહમ્મદનો હૅન્ડલર હોવાનું અને વિસ્ફોટકોની ડિલિવરી કરવાનું તેને કહ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. આ શંકાસ્પદ આતંકવાદીને કોર્ટમાં રજૂ કરીને એટીએસે સોમવાર સુધીની કસ્ટડી મેળવી હતી.
દિલ્હી પોલીસે ત્રણ દિવસ પહેલાં ધારાવીમાં રહેતા જાન મોહમ્મદ નામના આતંકવાદીની ધરપકડ કર્યા બાદ મહારાષ્ટ્ર એટીએસ ઝાકિર હુસેનને શોધતી હતી. જાન મોહમ્મદની ધરપકડ થયા બાદ પોલીસથી બચવા જોગેશ્વરીમાં રહેતો ઝાકિર હુસેન થાણે નજીકના મુમ્બ્રામાં છુપાવા માટેની સુરક્ષિત જગ્યા શોધી રહ્યો હતો અને તેની પત્નીને બાંદરામાં રહેતા એક સંબંધીના ઘરે મોકલી દીધી હતી. તેની માહિતી મળ્યા બાદ એટીએસની ટીમે છટકું ગોઠવીને તેની પત્નીની મદદથી ફોન કરીને તેને જોગેશ્વરીમાં મળવા બોલાવ્યો હતો અને ઝડપી લીધો હતો.
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ૧૫ સપ્ટેમ્બરે ઝડપી લેવાયેલા ધારાવીના આતંકવાદી જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયાનો ઝાકિર હુસેન શેખ હૅન્ડલર હતો. તેના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે. તેનો ભાઈ શાકિર શેખ પાકિસ્તાનમાં છે અને તે દાઉદ સબ્રાહિમના ભાઈ અનિસનો રાઇટ હૅન્ડ છે. શાકિરના માધ્યમથી જ ઝાકિર સતત અનિસ ઇબ્રાહિમના સંપર્કમાં હતો. આથી તે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના રડાર પર પહેલેથી જ હતો. ઝાકિર અન્ડરવર્લ્ડમાં સ્લીપર સેલ સિસ્ટમથી કામ કરતો હોવાથી તે જાન મોહમ્મદને લૉજિસ્ટિક સપોર્ટ આપતો હતો અને ઝાકિરના કહેવાથી જ જાન મોહમ્મદ મુંબઈથી દિલ્હી જવા રવાના થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઝાકિર શેખની ખંડણીના એક મામલામાં પહેલાં ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે ધરપકડ કરી હતી. ગઈ કાલે ધરપકડ કર્યા બાદ તેને શિવડીની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સોમવાર એટલે કે ૨૦ સપ્ટેમ્બર સુધીની કસ્ટડી આપી હતી. બાદમાં તેને દિલ્હી પોલીસને આગળની પૂછપરછ માટે સોંપવામાં આવશે.
જોગેશ્વરીમાંથી ઝડપવામાં આવેલો આતંકવાદી ઝાકિર હુસેન શેખ દિલ્હી સ્પેશ્યલ સેલના નિશાના પર હતો ત્યારે મહારાષ્ટ્ર એટીએસે તેની ધરપકડ કરતાં બંને પોલીસ વચ્ચે વિવાદ ઊભો થયો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસને જાન મોહમ્મદની ધરપકડ બાદ ઝાકિર હુસેનની માહિતી મળી હતી. તે તેને પકડવાના પ્રયાસમાં હતી ત્યારે મહારાષ્ટ્ર એટીએસની મદદ માગી હતી, પરંતુ એટીએસે મદદ કરવાને બદલે ઝાકિરની માહિતી લઈને તેની ધરપકડ કરી અને સ્પેશ્યલ સેલના આરોપીને પોતાના તાબામાં લીધો હતો. એટીએસના આવા વર્તનથી દિલ્હી પોલીસે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

Mumbai mumbai news maharashtra