સૂર અને સંગીતના તાલે લોકોનો ઉત્સાહ વધારે છે આ કલાકાર

23 May, 2020 09:47 AM IST  |  Mumbai | Varsha Chitaliya

સૂર અને સંગીતના તાલે લોકોનો ઉત્સાહ વધારે છે આ કલાકાર

શિવરામ પરમાર

લૉકડાઉનના પ્રથમ અઠવાડિયાથી જ દરરોજ રાતના આઠ વાગે એટલે મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર શિવરામ પરમાર તેમના ચાહકોની ફરમાઈશ પૂરી કરવા ફેસબુક પર હાજર થઈ જાય. બૉલીવુડ સૉન્ગ, ગુજરાતી ગીતો ઉપરાંત જુદા-જુદા શાસ્ત્રીય રાગ વિશેની રજેરજ માહિતી તેમના પ્રોગ્રામનું મુખ્ય આકર્ષણ છે. મુંબઈ, ગુજરાત, પશ્ચિમ બંગાળથી લઈ સ્પેન અને મૉરિશ્યસમાં વસતા હજારો લોકો તેમના લાઇવ પ્રોગ્રામને માણે છે. 

ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી જેવા ઊંચા ગજાના કલાકારો સાથે કામ કરી ચૂકેલા શિવરામ પરમાર કહે છે, ‘સંગીતમાં એવો જાદુ છે કે એક કલાક સાંભળો તો તમારા બીજા બે કલાક આનંદમાં પસાર થઈ જાય. મહામારીના વૈશ્વિક આંકડા જોતાં શરૂઆતમાં જ ખ્યાલ આવી ગયો હતો કે આ લાંબું ચાલવાનું છે. જે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાળી વગાડવાનું આહવાન કર્યું એ જ દિવસથી લાઇવ આવું છું. વાસ્તવમાં ગુજરાતના કલાકારોને સોશ્યલ મીડિયા પર લાઇવ આવી ચાહકોનો ઉત્સાહ વધારવાની અપીલ કરી હતી. ગુજરાતી ન્યુઝ ચૅનલોએ પણ મારી અપીલને આવકારી હતી. આ પ્રકારના કાર્યક્રમથી કલાકારોનો રિયાઝ થઈ જાય છે અને ચાહકોનું મનોરંજન. હાલના કપરા સંજોગોમાં લોકોના મગજમાંથી થોડા કલાક માટે કોરોના શબ્દ નીકળી જાય એનાથી વિશેષ શું જોઈએ?’

શિવરામ દરરોજ એક નવી થીમ લઈને આવે છે. થીમને અનુરૂપ ગીતો અને પ્રસંગોનું વર્ણન તેમના કાર્યક્રમની વિશેષતા છે. તેઓ કહે છે, ‘ગીતની ફરમાઈશ થાય એટલે બે અંતરા ગાઈ લઈએ એમાં મજા નથી. ગીત કઈ ફિલ્મનું છે, કોણે કમ્પોઝ કર્યું હતું, પ્લેબૅક સિંગર તેમ જ રાગ વિશેની રજેરજ માહિતી ચાહકો સુધી પહોંચવી જોઈએ. દાખલા તરીકે ‘ચાહૂંગા તુઝે મૈં સાંજ-સવેરે..’ની ફરમાઈશ આવી હતી. બીજા દિવસે ગીત રજૂ કરતાં પહેલાં રિસર્ચ કર્યું હતું. રફી સાહેબને ગીત એટલું ગમ્યું હતું કે તેમણે ફિલ્મનાં બીજાં ગીતો ફ્રીમાં ગાયાં હતાં એ પ્રસંગ રજૂ કર્યા બાદ ગીત ગાઈને સંભળાવ્યું હતું. આવી જ રીતે રાગ મલ્હાર આધારિત ગીત સૌપ્રથમ કોણે કમ્પોઝ કર્યું જેવી માહિતી આપી છે.’

લૉકડાઉન દરમિયાન શિવરામે જગજિત સિંહ, પંકજ ઉધાસ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, એ. આર. રહમાન, જૂનાં ગુજરાતી ગાયનો વગેરે થીમ પર મનોરંજન પીરસ્યું છે. થીમને અનુરૂપ પ્રસંગની જાણકારી માટે દિવસના છ કલાક તેઓ રિસર્ચ પાછળ વિતાવે છે. મુંબઈની લાઇફ થાળે પડે પછી તેઓ ચાહકોની ફરમાઈશ પૂરી કરવા તેમ જ તેમની સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકાય એ માટે દર રવિવારે આ કાર્યક્રમ ચાલુ રાખવાની ઇચ્છા ધરાવે છે.

mumbai mumbai news Varsha Chitaliya