બીજેપીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના ભાઈની દાદાગીરી

21 October, 2019 01:19 PM IST  |  મુંબઈ

બીજેપીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના ભાઈની દાદાગીરી

મીરા-ભાઈંદરમાં ૧૪૫ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારના ચાર કાર્યકરોની મારપીટ અને ધમકી આપવા બદલ પોલીસે અહીંના બીજેપીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના ભાઈ તેમ જ પાલિકાનાં મેયર ડિમ્પલ મહેતાના પતિ વિનોદ મહેતા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું. નરેન્દ્ર મહેતા સામે લડી રહેલા લોકોને આ રીતે મારપીટ કરાતાં લોકોમાં એમની સામે રોષ ભભૂકી ઊઠ્યો છે. જો કે આ મામલામાં પોલીસે હજી સુધી કોઈની ધરપકડ નથી કરી.

પોલીસના જણાવ્યા મુજબ મીરા-ભાઈંદરની ૧૪૫ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડી રહેલા પ્રદીપ જંગમના કાર્યકર્તા શનિવારે ભાઈંદર (પૂર્વ)માં કેબિન ક્રોસ રોડ પર સાંઈનગરમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બપોર બાદ ૪ વાગ્યે નરેન્દ્ર મહેતાના ભાઈ અને મેયર ડિમ્પલ મહેતાના પતિ વિનોદ મહેતા કારમાં તેમના ત્રણ સાથીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમણે શુભ સાળસકર, મહેશ બંદિયા, મિત પટેલ અને યશ પટેલ નામના કાર્યકરો પાસેથી પ્રચારસામગ્રી આંચકીને ફેંકી દીધા બાદ ચારેયને જબરદસ્તી કારમાં બેસાડી દીધા હતા. કારનો દરવાજો અંદરથી બંધ કરીને આરોપીઓએ તેમને અપશબ્દો કહેવાની સાથે લાફા માર્યા હતા. મોબાઈલની રિંગ આવતાં એ કૉલ લેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બાદમાં તેમને નવઘર પોલીસ સ્ટેશનની બહાર છોડી મુકાયા હતા.
પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ યુવાનોએ પોતાની મારપીટ કરાઈ હોવાનું પોલીસને કહ્યા બાદ પણ રાજકીય દબાણને લીધે પોલીસ ફરિયાદ નહોતી લેતી. જો કે બાદમાં ઉમેદવાર પ્રદીપ જંગમ અને બીજા સેંકડો લોકો પોલીસ સ્ટેશન પહોંચતા તેમની ફરિયાદ લેવાઈ હતી.
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રામ ભાલ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વિનોદ મહેતા, તેમના બે બોડીગાર્ડ અને તેમની કારના ડ્રાઈવર સામે આઇપીસીની કલમ ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૩૪ હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલામાં કોઈની ધરપકડ નથી કરાઈ.’

mumbai mumbai news