વરસાદ ખેંચાતાં સોમવારથી ૧૦ ટકા પાણીકાપ શરૂ થશે

25 June, 2022 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા ચોમાસાની સરખામણીએ અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ વરસાદ જળાશયોની આસપાસ પડ્યો હોવાથી બીએમસીએ પાણીકાપ લાદવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું ખેંચાવાની સાથે અત્યાર સુધી છૂટોછવાયો વરસાદ જ નોંધાયો હોવાથી મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટવાથી બીએમસીએ સોમવાર એટલે કે ૨૭ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો છે. ગયા ચોમાસાની સરખામણીએ અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ વરસાદ જળાશયોની આસપાસ પડ્યો હોવાથી બીએમસીએ પાણીકાપ લાદવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાણીની તંગી ન વર્તાય એ માટે બીએમસીએ શહેરજનોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે.
બીએમસીએ આપેલી માહિતી મુજબ મુંબઈને અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી એમ સાત જળાશયોમાંથી દરરોજ સરેરાશ ૪૦૦૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે. વર્ષ દરમ્યાન આ જળાશયોમાં ૧૪.૪૭ લાખ એમએલડી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જૂનો મહિનો પૂરો થવામાં છે અને વરસાદ ખેંચાતાં આ જળાશયોમાં અત્યારે ૯.૭૭ ટકા એટલે કે ૧.૪૧ લાખ એમએલડી પાણી એટલે કે માત્ર ૩૫ દિવસ ચાલે એટલું જ પાણી જ છે. આથી બીએમસીએ ૨૭ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
સામાન્ય રીતે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડતો હોવાથી થાણે અને આસપાસમાં આવેલાં જળાશયોમાં નવા પાણીની સારી આવક થાય છે. જોકે આ વર્ષે પાણીની આવકની સામે વધુ જાવક થઈ રહી છે એટલે પાણીકાપ લાદવામાં આવ્યો છે.

Mumbai mumbai news mumbai rains