થાણેના આ ગુજરાતી યુવાનને ખામીયુક્ત સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ

25 October, 2011 07:32 PM IST  | 

થાણેના આ ગુજરાતી યુવાનને ખામીયુક્ત સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ


(ક્રાન્તિ વિભૂતે)

મુંબઈ, તા. ૨૫


તેજસ શાહ પાસે જે ખામીયુક્ત સિક્કા છે એમાં એક બાજુ વધુ પહોળી હોય એવા એક રૂપિયા, બન્ને તરફ એક જ છાપ ઊપસેલી હોય એવા એક રૂપિયા, સાવ કોરા પાંચ પૈસા, બન્ને તરફ એક જ છાપ ધરાવતા દસ પૈસા વગેરેનો સમાવેશ થાય છે.

શોખ ક્યારથી જાગ્યો?

ડિટેક્ટિવનો પ્રોફેશન ધરાવતા તેજસ શાહે ‘મિડ-ડે’ને પોતાના શોખ વિશે કહ્યું હતું કે ‘૨૦૦૪થી મને આ શોખ લાગ્યો છે. મહારાષ્ટ્રની બહાર રહેતી એક વ્યક્તિ પાસે આવા ૮૦ સિક્કા હતા અને એ જોઈને બહુ મજા આવી હતી. મને પણ આવા ખામીયુક્ત સિક્કાનું કલેક્શન કરવાનું મન થયું. મોટા ભાગના લોકો એ જાણતા નથી હોતા કે ખામીયુક્ત સિક્કાની પણ એક કિંમત હોય છે. ખામીયુક્ત સિક્કા વિશે મેં ઘણું રિસર્ચ કર્યું છે અને એના વિશે ઘણું વાંચ્યું છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) ભૂલમાં આવા સિક્કા બજારમાં મૂકી દેતી હોય છે.’

તેજસ શાહે કહ્યું હતું કે ‘કેટલાક સિક્કા મેં ડીલરો પાસેથી પણ ખરીદ્યા છે. વલ્ર્ડ ટ્રેડ સેન્ટર પર જ્યારે આવા સિક્કાનું એક્ઝિબિશન યોજાય ત્યારે દેશભરમાંથી ડીલરો આવતા હોય છે. કાંદિવલીમાં પણ ક્યારેક આવા સિક્કાનું એક્ઝિબિશન યોજાતું હોય છે અને ડીલરો ત્યાં આવતા હોય છે.’

તેજસ શાહ પાસે બ્રિટિશ રાજના સમયના ૧૮મી સદીના અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખામીયુક્ત સિક્કા પણ છે. તેજસ શાહ એવો દાવો કરે છે કે એક ખામીયુક્ત સિક્કાની કિંમત ૩૦૦૦ રૂપિયા પણ હોઈ શકે છે. તેજસ શાહ કહે છે કે આજકાલ બહુ મૉડર્ન ટેક્નૉલૉજી સાથે સિક્કા બનાવવામાં આવે છે એટલે એમાં ખામી હોવાની શક્યતા ઘણી ઓછી રહે છે.

ખામીયુક્ત સિક્કાને બજારમાં મૂકવાની મનાઈ હોય છે અને એટલે જ એવા સિક્કાની કિંમત ઘણી વધુ હોય છે. હકીકતમાં અન્ય સાદા સિક્કા કરતાં ખામીયુક્ત સિક્કાનું કલેક્શન વધુ મોંઘું ગણાય છે.

એક્ઝિબિશન યોજવું છે

તેજસ શાહ કહે છે કે અત્યાર સુધી મેં સોસાયટીઓમાં અને સંસ્થાના હૉલમાં નાના પાયે એક્ઝિબિશન યોજ્યાં છે, પરંતુ હવે હું મોટા પાયે એનું એક્ઝિબિશન યોજવા માગું છું, જેથી બાળકોને પણ ખામીયુક્ત સિક્કાની ખરી કિંમત સમજાય.