ટ્રાફિકપોલીસની દિવાળી ૪ દિવસમાં વસૂલ્યા ૩.૬૦ લાખ રૂપિયા

21 November, 2012 07:41 AM IST  | 

ટ્રાફિકપોલીસની દિવાળી ૪ દિવસમાં વસૂલ્યા ૩.૬૦ લાખ રૂપિયા



ચાર જ દિવસમાં થાણે મહાનગરપાલિકાએ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા નાગરિકો પાસેથી ૩.૬૦ લાખ રૂપિયાની જંગી વસૂલાત કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. થાણે ટ્રાફિકપોલીસની આ ઝુંબેશમાં પોતાનાં વાહનો પાર્ક કરીને દિવાળીની ખરીદી માટે ગયેલા લોકોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.

થાણેના શૉપિંગ માટેનાં જાણીતાં સ્થળો જેવાં કે ગોખલે રોડ, નૌપાડા અને રામમારુતિ રોડ પર ટ્રાફિકપોલીસના અધિકારીઓ નાગરિકોને દંડ કરતા જોવા મળ્યાં હતા. સાથે જ ટ્રાફિકપોલીસે નાગરિકોને નવો નિયમ બતાવ્યો હતો જે હેઠળ સામાન્ય નિયમો મુજબ ગેરકાયદે પાર્કિંગ કરવા માટે દંડની રકમ ૧૦૦ રૂપિયા હતી એને બદલે ૧૨૦૦ રૂપિયા કરી નાખવામાં આવી હતી. એક અંદાજ મુજબ ટ્રાફિકપોલીસે ૫૦૦ જેટલાં વાહનોને દંડ કર્યો હતો.

થાણેના એક રહેવાસી પ્રશાંત સિંહે કહ્યું હતું કે ‘નો પાર્કિંગ એરિયામાં કારને પાર્ક કરવા માટે આટલી મોટી રકમનો દંડ કરવામાં આવે છે એવા નિયમોથી હું અજાણ હતો. મારે ૧૨૦૦ રૂપિયા ફાઇન ભરવો પડ્યો હતો. જોકે વાહનચાલકો પાસે ફાઇન ભરવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો. આ વિસ્તારમાં પાર્કિંગ પ્લાઝા જેવી કોઈ સુવિધા ન હોવાથી વાહનચાલકોને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.’

થાણેના જ બીજા એક રહેવાસી સીતારામ રાણેએ કહ્યું હતું કે ‘થાણે જેવા મોટા શહેરમાં પાર્કિંગની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એમાં પણ માર્કે‍ટના વિસ્તારની હાલત તો સૌથી વધુ ખરાબ છે. નૌપાડા, રામમારુતિ રોડ અને ગોખલે રોડ જેવા શૉપિંગ માટેના વિસ્તારોમાં પાર્કિંગની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. ટ્રાફિકપોલીસે ગેરકાયદે પાર્કિંગની સમસ્યાને ડામવા માટે દંડની રકમમાં વધારો કર્યો એ સમજી શકાય એમ છે, પરંતુ એની સામે થાણેમાં પાર્કિંગની સુવિધા તો હોવી જોઈએ. જ્યાં સુધી નાગરિકોને વાહનોના પાર્કિંગ માટે યોગ્ય વિકલ્પ આપવામાં ન આવે ત્યાં સુધી દંડને યોગ્ય ગણાવી શકાય નહીં.’