હમ સાત સાથ હૈં

22 May, 2023 08:25 AM IST  |  Mumbai | Lalit Gala

થાણેની કચ્છી જૈન ફૅમિલીએ પુત્રની મુંડનવિધિમાં કરાવ્યું સમૂહ મુંડન. મમ્મી અને નાની પણ જોડાયાં

નમ્રના મુંડન સમારોહ બાદ ફૅમિલી મેમ્બર (ડાબેથી) કલ્પના ગંગર, દિવિત ગંગર, તેજસ ગંગર, મીત ગડા, ૠજુ ગડા, નમ્ર ગડાની સાથે મહેશચંદ ગડા અને તેજસ ગંગર

સામાન્ય રીતે બાળકના જન્મ પછી મુંડન પ્રસંગે ફક્ત બાળકનું જ મુંડન કરવામાં આવે છે, પણ થાણેની એક કચ્છી જૈન ફૅમિલીએ પરિવારના સાત સભ્યો સાથે સમૂહ મુંડન કરાવ્યું હતું. એમાં બે સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો. પુત્રની સાથે પરિવારના અન્ય સભ્યો પણ મુંડન કરાવે એ કદાચિત કચ્છી જૈન સમાજમાં પ્રથમ કિસ્સો હશે.

થાણાના ટેમ્ભીનાકામાં રહેતા અને મૂળ કચ્છના ગામ નાના રતડિયાના ગડા પરિવારે પોતાના સાડાત્રણ વર્ષના પુત્ર નમ્રની શનિવારે પોતાના ગામમાં મુંડનવિધિ કરી હતી. આ મુંડન સમારોહમાં નમ્ર સાથે તેના પપ્પા મીત ગડા, મમ્મી ૠજુ, દાદા મહેશચંદ, નાની કલ્પના ગંગર, મામા તેજસ અને વિરાગ તેમ જ તેજસનો પુત્ર દિવિત આમ પરિવારના સાત સભ્યોએ સાથે મુંડન કરાવ્યું હતું.

કુળદેવી સચ્ચામાને નમતા ગડા નુખના ભાવિકો રીતરિવાજ પ્રમાણે પુત્રના જન્મ બાદ સાડાત્રણ વર્ષે મુંડન કરાવતા હોય છે. નમ્રના પપ્પા મીત ગડા સી.એ. છે અને એક કંપનીમાં ટૅક્સ-મૅનેજર તરીકે કાર્યરત છે, જ્યારે નમ્રની મમ્મી ૠજુ ગડા ઍડ્વોકેટ છે. આ રીતે પરિવારના સાત સભ્યોને સમૂહ મુંડન કરાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે ૠજુ ગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પુત્રના મુંડન સમારોહ વિશે અમે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે વિચાર્યું કે પુત્રને મુંડન પછી અજુગતું ન લાગે એ માટે કોઈકે તો તેને સપોર્ટ કરવો જોઈએ અને એ માટે સૌપ્રથમ નમ્રના પપ્પા અને દાદા તૈયાર થયા હતા. ત્યાર બાદ મેં પણ વિચાર્યું કે બાળપણમાં એક વાર થયેલા મુંડન પછી જીવનમાં હજી એક વાર એક્સ્પીરિયન્સ લેવો જોઈએ. જોકે એક સ્ત્રી માટે આ નિર્ણય લેવો સહેલી બાબત હોતી નથી. પહેલાં તો મને કૉન્ફિડન્સ નહોતો આવતો, પણ ત્યાર બાદ આ બાબતે રિસર્ચ કર્યું કે ધાર્મિક રીતરિવાજો માટે ઘણી સ્ત્રીઓ મુંડન કરાવતી હોય છે, ઘણી સ્ત્રીઓ કૅન્સર પેશન્ટ માટે પણ મુંડન કરાવતી હોય છે અને કોઈ પણ શરમ રાખ્યા વગર પોતાનાં રોજિંદા કામ કરતી હોય છે. મુંડન પછી હું કેવી દેખાઈશ એ માટે સ્નૅપચૅટ ઍપમાં આવતા એક ફિલ્ટરનો ઉપયોગ કરીને મારા વાળ વગરના લુકનો મેં અનુભવ કરી લીધો અને મુંડન બાદ જ્યાં જરૂર હશે ત્યાં સ્કાફ પહેરીને પણ રોજિંદાં કામ તો કરી જ શકીશ. ત્યાર બાદ મારામાં પણ કૉન્ફિડન્સ આવી ગયો. મારા પરિવારને આ વાત જણાવતાં તેમણે પણ મને સપોર્ટ કર્યો. મારાં મમ્મી અને મારા બંને ભાઈઓ પણ મારા આ નિર્ણયમાં સાથ આપવા તૈયાર થઈ ગયાં. અમારા વાળ અમે કૅન્સર પેશન્ટ માટે ડોનેટ કરવાનું નક્કી કર્યું છે.’

નમ્રનાં નાની કલ્પના ગંગરે પણ મુંડન કરાવ્યું છે. વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘પુત્રીનો કૉન્ફિડન્સ વધારવા માટે હું પણ મુંડન કરાવવા તૈયાર થઈ ગઈ હતી. આમ પણ મારા કુટુંબમાં ચાર દીક્ષાઓ થઈ છે તો માથા પર વાળ ન હોવા એ કોઈ ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાવા જેવી વાત નથી. ઊલટાનું મને જોઈને એક-બે સ્ત્રીઓએ પણ મુંડન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.’
ગડા ફૅમિલીએ સ્વેચ્છાએ નિર્ણય લઈને મુંડન કરાવ્યું છે, પણ કચ્છી જૈન સમાજમાં ‘આશાપુરા મા’ને નમતા પોલડિયા નુખના ભાવિકોમાં પુત્રના મુંડનની સાથે-સાથે માતા-પિતાએ પણ મુંડન કરાવવાની પ્રથા રહેલી છે. 

 

mumbai mumbai news kutchi community jain community thane