થાણે ગ્રામીણ પોલીસને મળી ગયાં GPS સિસ્ટમ ધરાવતાં વાયરલેસ વૉકી-ટૉકી

30 January, 2014 07:06 AM IST  | 

થાણે ગ્રામીણ પોલીસને મળી ગયાં GPS સિસ્ટમ ધરાવતાં વાયરલેસ વૉકી-ટૉકી


મીરા-ભાઈંદરથી વસઈ-વિરાર (થાણે ગ્રામીણ) વિસ્તારમાં ક્રાઇમનું પ્રમાણ ઓછું થાય અને પોલીસ-વિભાગનું કામકાજ વધુ યોગ્ય રીતે થાય એ માટે પોલીસ-વિભાગને GPS સિસ્ટમ ધરાવતાં વાયરલેસ વૉકી-ટૉકી આપવામાં આવ્યાં છે. આ વૉકી-ટૉકી દ્વારા પોલીસ-સ્ટાફ સાથે ફક્ત વાતચીત જ નહીં કરી શકે, પણ સ્ટાફ ક્યાં છે એની પણ તેમને ખબર પડશે. આ સિસ્ટમ પર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP) પોતે નજર રાખશે.

મીરા-ભાઈંદરથી વસઈ-વિરારમાં ક્રાઇમના પ્રમાણ પર નિયંત્રણ લાવવા માટે થાણે ગ્રામીણ પોલીસ કંઈ ને કંઈ બદલાવ અને માર્ગ શોધી લાવે છે. થોડા વખત પહેલાં જ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ મહિલા સુરક્ષા પૅટ્રોલિંગની શરૂઆત કરી હતી. એ માટે મહિલાઓનો સ્ટાફ અને એક વૅન પણ આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ હવે પોલીસ વિભાગ યોગ્ય રીતે કામ કરે અને ચેઇન-સ્નૅચિંગ કે બીજા કોઈ બનાવો પર નિયંત્રણ આવે એ માટે થાણે ગ્રામીણ પોલીસ દ્વારા એક નવો માર્ગ શોધવામાં આવ્યો છે જે અનુસાર પોલીસ-વિભાગ પાસે વાયરલેસ વૉકીટૉકી રહેશે જેને લીધે પોલીસ-સ્ટાફ સાથે સંપર્ક પણ કરી શકશે અને તેઓ કઈ જગ્યાએ છે એના પર પણ નજર રાખી શકશે. આ સિસ્ટમ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. એની સફળતારૂપે આ વિસ્તારમાં ચેઇન-સ્નૅચિંગના બનાવોનું પ્રમાણ ઓછું થઈ ગયું છે.

લેઝી સ્ટાફ બન્યો વર્કિંગ સ્ટાફ

બીટ-માર્શલ સંભાળતો સ્ટાફ ઘણી વાર જે સ્પૉટ પર ડ્યુટી આપી હોય ત્યાં જતો નથી હોતો અને પોતાનું અંગત કામ કરતો હોય છે.

બીટ-માર્શલની ત્યાં ડ્યુટી હોવા છતાં પોલીસ-સ્ટાફ ત્યાં રહેતો ન હોવાથી ક્રાઇમ થવાના બનાવો બન્યા છે. એથી હવે આ GPS સિસ્ટમથી પોલીસ-સ્ટાફ ક્યાં ડ્યુટી કરે છે એના પર નજર રાખવામાં આવશે. એથી પોલીસ સ્ટાફમાં જે લેઝી અને કામચોર સ્ટાફ હતો એ પણ હવે વર્કિંગ થઈ ગયો છે.

પોલીસનું શું કહેવું છે?

થાણે ગ્રામીણના એક પોલીસ-અધિકારીએ નામ ન આપવાની શરતે આ વિશે કહ્યું હતું કે ‘આ સિસ્ટમ પ્રાથમિક રીતે શરૂ કરી છે એટલે વધુ માહિતી પછીથી મળી રહેશે. જોકે આ સિસ્ટમથી ઘણો ફાયદો થશે એ વાત નક્કી જ છે.’

ચેઇન-સ્નૅચિંગનું પ્રમાણ ઘટ્યુ

આ વિસ્તારમાં પોલીસ-વિભાગને વૉકી-ટૉકી આપવામાં આવ્યાં છે ત્યારથી શહેરમાં ચેઇન-સ્નૅચિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે.