09 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં તીનહાથ નાકા નજીક ટોઇંગ વૅન માટે થયેલું આંદોલન.
થાણે પોલીસ કમિશનરેટ હેઠળ આવતા થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, ભિવંડીમાં છ મહિનાથી બંધ ટોઇંગ વૅન ગયા અઠવાડિયાથી ફરી શરૂ કરવામાં આવી હતી. ગઈ કાલે થાણેકરોએ ટોઇંગ વૅન બંધ કરવા માટે મોટો મોરચો કાઢ્યો હતો જેમાં થાણેના તમામ રાજકીય પાર્ટીના નેતાઓ જોડાયા હતા. ટોઇંગ વૅન દ્વારા થાણે પોલીસ કમિશનરેટમાં ઘણો ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કરીને થાણેના તીનહાથ નાકા નજીક આવેલી ટ્રૅફિક હેડ ઑફિસમાં ૫૦૦થી ૭૦૦ નાગરિકો વિરોધ કરવા પહોંચી ગયા હતા. જો આવતા વખતમાં ટોઇંગ વૅન બંધ નહીં કરવામાં આવે તો થાણેના દરેક વિસ્તારમાં આંદોલન કરવામાં આવશે એવી ચીમકી થાણેકરોએ ટ્રૅફિક વિભાગને આપી છે.
ટોઇંગ વૅન અંગે થાણેકરોનું પ્રતિનિધિ કરતા અજય જયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં પાછી ટોઇંગ વૅન શરૂ કરવામાં આવતાં ટ્રૅફિક પોલીસ અને ટોઇંગ વૅનના પ્રતિનિધિઓનો ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે. મુંબઈમાં જ્યારે કોઈ વાહન ટો થાય છે તો એના ફાઇનની એક પાવતી સંબંધિતોને આપવામાં આવતી હોય છે, જ્યારે થાણેમાં ટ્રૅફિક વિભાગ દ્વારા ફાઇનની એક પાવતી આપવામાં આવે છે અને ટોઇંગ વૅનના અધિકારીઓ પોતાની અલગ એક પાવતી આપે છે એટલું જ નહીં, ઘણી જગ્યાએ નાગરિકોને હેરાન કરવાનું કામ પણ આ ટોઇંગચાલકો કરતા હોય છે જેના કેટલાક વિડિયો પુરાવા ટ્રૅફિક વિભાગને અમે આપ્યા છે. જો આવતા વખતમાં ટોઇંગ વૅન પર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું.’
થાણેના ટ્રૅફિક વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટોઇંગ વૅન વિરુદ્ધ સ્ટાફ અને ટ્રૅફિક પોલીસની ફરિયાદો મળ્યા બાદ થાણેના ટ્રૅફિક વિભાગે ડિસેમ્બરના અંતમાં ટોઇંગ વૅનની સેવા બંધ કરી દીધી હતી. જોકે ટોઇંગ વૅન બંધ હોવાથી થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, ભિવંડી શહેરોમાં રસ્તા પર ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાથી અમે એને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ગયા અઠવાડિયાથી થાણેમાં ૨૭ ટોઇંગ વૅન શરૂ કરવામાં આવી છે જેમાં ભ્રષ્ટાચાર ન થાય એ માટે CCTV કૅમેરા તેમ જ જોઈતી તમામ સુવિધાઓ કરવામાં આવી છે. અમારી નાગરિકોને અપીલ છે કે થોડા મહિના ટોઇંગ વૅન સેવા ચાલવા દો, જો કોઈ ફરિયાદ મળશે તો ફરી કાર્યવાહી કરી શકાશે.’