હવે થાણે પોલીસ પણ ત્રણ મિનિટમાં સ્પૉટ પર પહોંચશે

06 November, 2011 02:08 AM IST  | 

હવે થાણે પોલીસ પણ ત્રણ મિનિટમાં સ્પૉટ પર પહોંચશે

 

આ મુદ્દે વધારે માહિતી આપતાં કે. પી. રઘુવંશીએ કહ્યું હતું કે ‘નવી સિસ્ટમથી પોલીસ નાગરિકોની સુરક્ષા વધારે ઝડપથી કરી શકશે. હવે થાણે પોલીસ પાસે ઍડ્વાન્સ કન્ટ્રોલ રૂમ છે. જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને કારણે ઇમર્જન્સી રિસ્પૉન્સ ટાઇમમાં ઘટાડો થયો છે. પોલીસ-વૅનનું લોકેશન સ્ક્રીન પર જોઈ શકાતું હોવાથી કટોકટીની પરિસ્થિતિમાં કન્ટ્રોલ રૂમનો ઑફિસર એને નજીકની જગ્યાએ જવા માટે યોગ્ય દોરવણી આપી શકશે. આ કન્ટ્રોલ રૂમમાં સોળ ટીવી-સેટ બેસાડવામાં આવ્યા છે. એમાંથી ચાર ન્યુઝચૅનલ માટે, ચાર એન્ટરટેઇનમેન્ટ માટે અને ચાર લોકલ નેટવર્ક માટે ફાળવવામાં આવ્યા છે. જો ન્યુઝચૅનલ પર શહેરમાં બનેલી કોઈ ગંભીર ઘટનાની માહિતી આવશે તો તરત જ શહેરમાં સુરક્ષાની જાળવણી માટેનાં પગલાં લેવાની શરૂઆત થઈ જશે. કેટલાક અધિકારીઓને તો દેશના બ્રેકિંગ ન્યુસની નોંધ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.’

નવી વ્યવસ્થામાં લેડીઝ સહિતના તમામ બીટ-માર્શલને જીપીએસ ડિવાઇસ આપવામાં આવ્યાં છે જેની મદદથી તેમની દરેક ગતિવિધિ પર નજર રાખી શકાશે. આ સિવાય ૧૦૦ અને ૧૦૩ નંબરની હેલ્પલાઇન લાઇનો પણ વધારવામાં આવી છે અને પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય છે. કન્ટ્રોલ રૂમની પોતાની અલાયદી ટેલિફોન એક્સચેન્જ સર્વિસ અને ઈ-મેસેજિંગ સર્વિસ છે. આ હાઈ-ટેક કન્ટ્રોલ રૂમનું ૨૦ ઑક્ટોબરે ગૃહપ્રધાન આર. આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું.