13 August, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણે જિલ્લાના વેપારીઓએ પોલીસ-કમિશનરની મુલાકાત લીધી હતી અને તેમને પોતાની ફરિયાદો જણાવી હતી.
થાણે જિલ્લામાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત ચોરી, ગેરવસૂલી અને માથાડીઓ સંબંધિત મુદ્દાઓમાં યોગ્ય માર્ગ કાઢવા માટે સોમવારે સાંજે થાણેથી બદલાપુર સુધીનાં વિવિધ વેપારી અસોસિએશનોના પ્રતિનિધિઓએ થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુમ્બરેની મુલાકાત લીધી હતી. વેપારીઓ પાસેથી માહિતી લીધા બાદ ડાયરેક્ટ કમ્યુનિકેશન માટે દરેક ઔદ્યોગિક વિસ્તાર માટે સમર્પિત વૉટ્સઍપ ગ્રુપ બનાવવાની સૂચના પોલીસ-કમિશનરે તમામ સિનિયર અધિકારીઓને આપી હતી. આ ઉપરાંત વેપારીઓ પાસેથી ગેરવસૂલી (હપ્તા) કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવો સ્પષ્ટ આદેશ દરેક પોલીસ-સ્ટેશનના અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ નરેન્દ્ર પોદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના ઇન્ટરનૅશનલ વૈશ્ય ફેડરેશનના જનરલ સેક્રેટરી અને ટેક્સટાઇલ અસોસિએશન ઑફ બદલાપુરના પ્રમુખ શિવ કનોડિયા, હિન્દુસ્તાન ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ બૈજનાથ રૂંગટા, બદલાપુર ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ ખુશાલ જૈન, પેપર બોર્ડ ઍન્ડ પ્લાસ્ટિક ટ્રેડર્સ અસોસિએશનની સમિતિના સભ્ય હસમુખ વિસરિયા, કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરતા વીરેન બાવીશી વગેરેના નેતૃત્વમાં ઉલ્હાસનગર, અંબરનાથ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ૨૮ પ્રતિનિધિઓએ પોલીસ-કમિશનરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પાછળનો મૂળ ઉદ્દેશ ટ્રાફિક ઘટાડવા માટે પ્રયત્ન કરવાનો હતો. થાણેમાં ટ્રાફિક વધવાને કારણે વેપારીઓએ ભારે હાલાકી અને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ ઉપરાંત થાણેમાં એક પ્રકારનો ટ્રેન્ડ બની ગયેલા હપ્તાખોરો સામે પણ યોગ્ય ઍક્શન લેવાની માગણી કરવામાં આવી હતી. એની સામે તાત્કાલિક નિવારણ માટે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરવા સિનિયર અધિકારીઓ સાથેનાં વૉટ્સઍપ ગ્રુપ બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ દરેક ગ્રુપમાં વેપારીઓ સહિત પોલીસ રાખવામાં આવશે. તેઓ પોતાની ફરિયાદો આ ગ્રુપમાં પોસ્ટ કરશે એટલે એના પર તાત્કાલિક ઍક્શન લેવામાં આવશે એવું આશ્વાસન અમને આપવામાં આવ્યું હતું.’