18 July, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચોરી થયેલું પાંચ તોલાનું મંગળસૂત્ર પાછું આપતી થાણે પોલીસ
થાણેના વાગળે એસ્ટેટમાં સ્નૅબિટ ઍપ પરથી બોલાવવામાં આવેલી ૩ મહિલા વર્કરોએ એક ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર ચોરી કરી લીધું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરીને ચોરી કરનાર સ્નૅબિટ વર્કરની ધરપકડ કરીને તેની પાસેથી મંગળસૂત્ર જપ્ત કર્યું હતું તથા ફરિયાદીને પાછું સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયામાં થાણેના રુણવાલનગરમાં પણ સ્નૅબિટની એક હાઉસહેલ્પરે મંગળસૂત્ર ચોરવાની ઘટના બની હતી.
ઘટનાની માહિતી મુજબ વાગળે એસ્ટેટમાં રામચંદ્રનગર નંબર ૧માં આવેલી જય ગણરાજ હાઉસિંગ સોસાયટીમાં રહેતા સદાનંદ ચાળકે નામના ૬૪ વર્ષના સિનિયર સિટિઝને ઘરમાં સાફસફાઈ માટે સ્નૅબિટ ઍપ મારફત ૩ મહિલા વર્કર બોલાવી હતી. જોકે વર્કરો પોતાનું કામ પતાવ્યા બાદ રવાના થઈ ત્યાર પછી ઘરમાંથી પાંચ તોલાનું સોનાનું મંગળસૂત્ર ગાયબ હોવાનું ભાન થતાં તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરીને સ્નૅબિટની બાવીસ વર્ષની વર્કર રોશની જગતાપનું ઠેકાણું મેળવ્યું હતું અને તેને તાબામાં લઈને પૂછપરછ કરી હતી જે દરમ્યાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. જોકે આ ગુનામાં સામેલ અન્ય બે વર્કરો વિશે હજી કોઈ માહિતી નથી. પોલીસે રોશની જગતાપ પાસેથી મંગળસૂત્ર જપ્ત કરીને એના માલિકને પાછું સોંપ્યું હતું.