10 November, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાપુરબાવડી પોલીસે આરોપી પાસેથી જપ્ત કરેલી બનાવટી નોટો અને બિસ્કિટ.
એક લાખ રૂપિયાના બદલામાં ત્રણ લાખ રૂપિયા આપવાનો વાયદો કરીને ચિલ્ડ્રન બૅન્કની નોટો પધરાવવાના આરોપસર થાણેની કાપુરબાવડી પોલીસે ૪૩ વર્ષના સંજય ભારતીની ધરપકડ કરી છે. થાણેમાં રહેતા નિતેશ શેળકેને ટૂંક સમયમાં પૈસા ત્રણ ગણા કરવાની લાલચ આપીને આરોપી તેની પાસેથી એક લાખ રૂપિયાની રોકડ લઈને એની સામે તેને ખોટી નોટો પધરાવી ગયો હતો. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવતાં એક મોટી ગૅન્ગનો પર્દાફાશ થયો છે. આરોપી પાસેથી ૫૦૦ રૂપિયાની નોટનાં ૩૬૦ બંડલ જપ્ત કરવામાં આવ્યાં હતાં જેમાં માત્ર પહેલી અને છેલ્લી નોટ ૫૦૦ રૂપિયાની હતી અને બાકીની તમામ નોટ ચિલ્ડ્રન બૅન્કની બનાવટી નોટ હતી એટલું જ નહીં, આરોપી પાસેથી કેટલાંક સોનાનાં બિસ્કિટ મળ્યાં હતાં એની તપાસ કરવામાં આવતાં એ તાંબાનાં હોવાનું જણાયું હતું.
કાપુરબાવડીના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરમાં અમારી પાસે નોંધાયેલી નિતેશ શેળકેની ફરિયાદ બાદ અમે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ટેક્નિકલ ટીમ સહિત જ્યાં ફરિયાદીને બનાવટી નોટ આપવામાં આવી હતી એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. આરોપી જે બાઇક પર આવ્યો હતો એનો નંબર મળતાં ટ્રાફિક-વિભાગની મદદ લઈને એ બાઇક કોના નામે છે અને તે ક્યાં રજિસ્ટર થઈ છે એની માહિતી કઢાવતાં ભિવંડીમાં રહેતા આરોપી સુધી અમે પહોંચ્યા હતા. તેના ઘરમાં તપાસ કરતાં ૫૦૦ રૂપિયાનાં ૩૬૦ બંડલ મળી આવ્યાં હતાં તથા પચાસથી વધુ તાંબાનાં બિસ્કિટ મળ્યાં હતાં એ તમામ બિસ્કિટ પર 999.9 ગોલ્ડ લખેલું જોવા મળ્યું હતું. ધરપકડ કરવામાં આવેલો આરોપી એક મોટી ગૅન્ગ સાથે સંકળાયેલો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. તેઓ જુદા-જુદા રાજ્યમાં લોકોને અલગ-અગલ મોડસ ઑપરૅન્ડી વાપરીને છેતરપિંડી કરતા હતા. આ કેસમાં બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’