04 January, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કચરાના ઢગલામાંથી મળેલી બાળકી સાથે પોલીસ-સ્ટાફ.
એક તરફ દુનિયા આધુનિકતા તરફ આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ કાળજું કંપાવી દે એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. થાણેના માજીવાડા બ્રિજ નીચેથી ગુરુવારે મોડી રાત્રે એક નવજાત બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કચરા અને કાદવ-કીચડ વચ્ચે રડતી આ માસૂમ બાળકી માટે કાપુરબાવડી પોલીસ દેવદૂત સાબિત થઈ હતી. આ મામલે બાળકીને જાનથી મારી નાખવાના ઇરાદાથી રાતે તેને કચરામાં મૂકી જનાર વાલી સામે કાપુરબાવડી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યે માજીવાડા બ્રિજ નીચેથી પસાર થતા એક રાહદારીએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યા પછી નજીક જઈને તપાસ કરતાં ગંદકી અને કાદવમાં એક કપડામાં લપેટેલી હાલતમાં એ મળી આવી હતી. ઠંડી અને ભૂખને કારણે તે સતત રડી રહી હતી. રડી-રડીને બાળકીની હાલત અત્યંત દયનીય થઈ હતી ત્યારે મહિલા પોલીસે માતાની જગ્યા લઈને તેને આધાર આપ્યો હતો.
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેશ મસુરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને માહિતી મળી એ પછી અમારી મહિલા અધિકારીઓએ ત્યાં પહોંચીને બાળકીનો તાબો લીધો હતો. પછી તેને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તે માત્ર ત્રણ-ચાર કલાક પહેલાં જ જન્મી હોવાની માહિતી ડૉક્ટરે આપી હતી. ત્યાર બાદ રાતના બાળકી માટે કપડાં, પાઉડર મિલ્ક, દૂધ પીવા માટે બૉટલ સહિતની સુવિધા કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું જેમાં તે એકદમ સ્વસ્થ હોવાની માહિતી મળી હતી. રાત્રે મળેલી બાળકી સાથે અમારી એવી લાગણી બંધાઈ ગઈ હતી કે અમારા પોલીસ-સ્ટેશનના ૧૫ અધિકારીઓ તેનો મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ ઘરે ગયા હતા. હાલમાં અમારા અધિકારીઓ બાળકીની સંભાળ રાખી રહ્યા છે.’