આજે યોજાશે થાણે મહાપૌર વર્ષા મૅરથૉન ૩૦,૦૦૦થી પણ વધુ સ્પર્ધકો દોડશે

30 August, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ૩૨મી ‘થાણે મહાપૌર વર્ષા મૅરથૉન 2026’નું આયોજન થવા જઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

આજે ૩૨મી ‘થાણે મહાપૌર વર્ષા મૅરથૉન 2026’નું આયોજન થવા જઈ રહ્યું છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને મહારાષ્ટ્ર રાજ્ય ઍથ્લેટિક્સ અસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ મૅરથૉન માટે TMC, પોલીસ અને તમામ સંબંધિત વિભાગો સંપૂર્ણપણે સજ્જ છે. આ વર્ષે રેકૉર્ડબ્રેક ૩૦,૦૦૦થી વધુ સ્પર્ધકોએ નોંધણી કરાવી છે, જેને કારણે આખી થાણે નગરીમાં મૅરથૉનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગઈ કાલે મૅરથૉનની પૂર્વસંધ્યાએ મેયર શર્મિલા પિંપળોલકર અને TMCના કમિશનર સૌરભ રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આયોજનની આખરી સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને સ્કૂલનાં બાળકોની સુરક્ષા, મેડિકલ ઇમર્જન્સી અને પીવાના પાણીની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. માર્ગો પર ૧૦ ડૉક્ટરોની ટીમ અને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા ઉપરાંત અને ઇમર્જન્સી બેડ અનામત રખાયા છે. આ ઉપરાંત આજના મુખ્ય મંચ પરથી મૅરથૉનનો ઇતિહાસ અને ગૌરવ દર્શાવતી એક વિશેષ ‘કૉફી ટેબલ બુક’નું વિમોચન પણ કરવામાં આવશે.

મૅરથૉનના રૂટ પર નો એન્ટ્રી, વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

દરમ્યાન, દોડવીરોની સુરક્ષા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જાળવવા માટે થાણેના ટ્રાફિક વિભાગ દ્વારા કડક અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ નિયમો ગઈ કાલે રાતે ૯ વાગ્યાથી અમલમાં આવી ગયા છે, જે આજે સાંજે ચાર વાગ્યા સુધી લાગુ રહેશે. મૅરથૉનના સમગ્ર રૂટ પર બન્ને બાજુએ તમામ પ્રકારનાં વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નીતિન જંક્શન, તીનહાથ નાકા, અલ્મેડા સિગ્નલ અને કર્રી રોડ જેવા વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ટ્રાફિક-પોલીસે થાણેકરો માટે વિવિધ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી છે. નીતિન કંપનીથી TMC સર્કલ, અલ્મેડા સિગ્નલથી TMC સર્કલ અને ટેમ્ભી નાકા તરફ જતા મુખ્ય રસ્તાઓ પર પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. આ રૂટ પરની વાહનવ્યવહારની અવરજવર કૅડબરી જંક્શન, ખોપટ, તીનહાથ નાકા, હરિનિવાસ સર્કલ અને નાશિક-મુંબઈ હાઇવે સ્લિપ રોડ મારફત વાળવામાં આવી છે.

mumbai news mumbai thane thane municipal corporation mumbai mayor mumbai marathon