ગોવિંદાઓને ગાજર દેખાડવાનું શરૂ

27 July, 2012 05:23 AM IST  | 

ગોવિંદાઓને ગાજર દેખાડવાનું શરૂ

જન્માષ્ટમી આડે માંડ પંદર દિવસ બાકી રહ્યા છે ત્યારે ઊંચા થર લગાવી મટકી ફોડનારા ગોવિંદાઓ માટે મોટી-મોટી રકમનાં ઇનામોની જાહેરાત કરી લલચાવવાનું શરૂ થઈ ગયું છે. ગઈ કાલે થાણેના સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાને દસ થર બનાવી મટકી ફોડનારા ગોવિંદાઓને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

શિવસેનાના થાણેના વિધાનસભ્ય અને સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન, વર્તકનગર-થાણેના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે ગઈ કાલે મટકી ફોડનારા ગોવિંદાઓ માટે ઇનામોની જાહેરાત કરી હતી. ઊંચી મટકીની સાથે ઊંચાં ઇનામો રાખવા માટે ચર્ચાસ્પદ બનેલા આ મંડળે મુંબઈ અને થાણેના ગોવિંદાઓ માટે આ વખતે ઇનામની રકમ ૨૧ લાખથી વધારીને ૨૫ લાખ રૂપિયા કરી નાખી હોવાનું પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. એ સિવાય નવ થર બનાવનારી દરેક ટીમને ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ગોવિંદાની ટુકડીઓ નવ થર લગાવીને પણ મટકી ફોડી ન શકી તો એને પણ સલામી આપવા બદલ ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સાથે જ મહિલા ગોવિંદાની ટીમ સાત થર લગાવવામાં સફળ થશે એને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. યુવા પ્રતિષ્ઠાને આ વખતે પણ મટકી ફોડવા માટે નીચેથી લઈને ઉપર સુધી થર લગાવનારા તમામ ગોવિંદાઓનો વીમો કઢાવ્યો છે.