થાણેનાં ગણેશમંડળો ડેકોરેશન માટે નહીં કરે પ્લાસ્ટિકનો ઉપયોગ

05 September, 2012 06:59 AM IST  | 

થાણેનાં ગણેશમંડળો ડેકોરેશન માટે નહીં કરે પ્લાસ્ટિકનો ઉપયોગ

થાણેના કલવામાં આવેલા ખારેગાંવનું યુવા જલ્લોશ મંડળ ગણપતિની મૂર્તિ ઘૂંઘરુંથી બનાવશે તેમ જ પંડાલને ગુફાની જેમ પેપર અને ઘઉંના લોટથી શણગારવામાં આવશે.

યુવા જલ્લોશ મંડળના પ્રેસિડન્ટ મયૂર મિશ્રા સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પંડાલને ઇકો-ફ્રેન્ડ્લી રીતે શણગારવા સિવાય અમે ‘ક્લીન અને ગ્રીન ખારેગાંવ’ની ઝુંબેશ પણ હાથ ધરી છે. અમે પ્લાસ્ટિક ન વાપરવા માટે લોકોને કહ્યું હતું તેમ જ લોકોને ભીનો અને ડ્રાય કચરો અલગ રાખવા માટે પણ પ્રેરણા આપી હતી. જે સ્ક્રૅપડીલરો લોકોના ઘરે જઈને ડ્રાય કચરો ભેગો કરે છે એવા અમુક લોકો સાથે અમે ટાઇ-અપ કર્યું છે. જે ભક્તો પંડાલમાં દર્શન માટે આવશે તેમને શહેરમાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ન ફેંકવાનો સંદેશો પણ આપીશું.’

થાણે-વેસ્ટમાં આવેલા કોલબાડ મિત્ર મંડળે પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે. કોલબાડ મિત્ર મંડળના પ્રેસિડન્ટ રાજુ મોરેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે મકાઈ કોબ્સ (મકાઈના દાણા કાઢી લીધા બાદ જે ઠૂંઠું બચે એ તે) વાપરીને કાલ્પનિક મંદિર બનાવી રહ્યા છીએ. આ મકાઈના કોબ્સ શહેરના મકાઈના ફેરિયાવાળાઓ પાસેથી ભેગા કર્યા છે જે સામાન્ય રીતે દાણા કાઢી લીધા બાદ એને ફેંકી દેવામાં આવે છે. આ મકાઈનો ઉપયોગ અમે અંદાજે ૩૦ ફૂટ જેટલી હાઇટનું મંદિર બનાવવા માટે કરીશું. અમારી ગણપતિની મૂર્તિ પણ ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ એટલે કે શાડૂ માટીમાંથી બનાવવામાં આવી છે.’

થાણે-વેસ્ટમાં ગોકુલનગરમાં આવેલા જય ભવાની મિત્ર મંડળે પણ ઇકો-ફ્રેન્ડ્લી થીમ પર ડેકોરેશન કરવાનું નક્કી કર્યું છે. જય ભવાની મિત્ર મંડળના મેમ્બર સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે ગ્રામીણ વિસ્તારોમાં પાવર શૉર્ટેજના મુદ્દા પર પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. ઍગ્રિકલ્ચર સેક્ટરોમાં મુખ્યત્વે વધુ પાવરની જરૂર પડે છે. અમે ડેકોરેશન માટે પાવરનાં વૈકલ્પિક સૂત્રો જેવા કે ઍટમિક એનર્જી, સોલર એનર્જી અને વિન્ડ એનર્જી પર ફોકસ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં વીજળીની પરિસ્થિતિ સારી રહે એ માટે અમે લોકોને આ રીતે પાવરનાં વૈકલ્પિક સૂત્રો વાપરવાનો સંદેશો આપવા માગીએ છીએ. પંડાલને શણગારવા માટે પેપર અને કાર્ડર્બોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગણપતિની સાડાત્રણ ફૂટ હાઇટની મૂર્તિ પણ શાડૂ માટીમાંથી બનાવવામાં આવી છે.’

વીજચોરીથી દૂર રહેવાની મહાવિતરણની ગણેશમંડળોને અપીલ

તહેવારોની મોસમમાં વીજચોરીનું પ્રમાણ ઘણું વધી જતું હોવાથી થાણે સર્કલના મહાવિતરણના અધિકારીઓએ અહીંનાં ગણેશમંડળોને વીજચોરી કરવાને બદલે કાયદેસર રીતે વીજજોડાણ લેવાની અપીલ કરી છે. મહાવિતરણના અધિકારીઓના જણાવ્યા મુજબ થાણે શહેરમાં કેટલાંક ગણેશમંડળો કાયદેસર રીતે વીજજોડાણ લેવાને બદલે વીજળી મેળવવા માટે ગેરકાયદે માર્ગનો આશરો લેતાં હોય છે.

મહાવિતરણે આ વર્ષે‍ ગણેશોત્સવ દરમ્યાન જે ગણેશમંડળો તેમની પાસેથી કાયદેસર રીતે અરજી કરીને ૧૦ દિવસ માટે વીજજોડાણ મેળવશે એમને વીજદરમાં સબસિડી આપવાનું નક્કી કર્યું છે. થાણેમાં ગણેશોત્સવનું આયોજન કરતાં ૬૦૦થી વધુ મંડળો છે. જોકે મહાવિતરણ પાસેથી ગણેશોત્સવ દરમ્યાન વિશેષ મીટર લઈને વીજળીનો ઉપયોગ કરતાં મંડળો માત્ર ૨૫૫ છે. આમ અડધાંથી વધુ મંડળો વીજળીનો વપરાશ અન્ય માધ્યમોથી કરી રહ્યાં છે.

મહાવિતરણના પ્રવક્તા ધનંજય પવારે કહ્યું હતું કે ‘થાણે વિસ્તારમાં અડધાથી પણ ઓછાં ગણેશમંડળો કાયદેસર રીતે વીજજોડાણ મેળવે છે. બાકીનાં મંડળો મેઇન લાઇનના વાયર પર હુક નાખીને પોતાની વીજળીની જરૂરિયાત પૂરી કરતાં હોય છે. આને કારણે તહેવારોમાં કોઈ મોટો અકસ્માત થવાની અને હજારો ભક્તોના જાન જોખમમાં મુકાવાની પણ શક્યતા રહેલી છે. ગણેશોત્સવ માટે સ્પેશ્યલ મીટર લેનારાને મહાવિતરણ ૩.૨૭ રૂપિયા પ્રતિ યુનિટના સબસિડાઇઝ્ડ દરે વીજળી ઉપલબ્ધ કરાવશે. મહાવિતરણના વીજદરના માળખા પ્રમાણે ૩.૨૭ રૂપિયા પ્રતિ યુનિટનો દર ૧૦૦ યુનિટથી ઓછો વીજળીનો વપરાશ કરનારા માટે જ છે. એનાથી વધુ એટલે કે ૧૦૦થી ૩૦૦ યુનિટનો વીજવપરાશ ધરાવનારાને ૬.૫૦ રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી આપવામાં આવે છે. જોકે ગણેશમંડળોને ગમે એટલા યુનિટનો વપરાશ થાય તો પણ ૩.૨૭ રૂપિયા પ્રતિ યુનિટના દરે જ વીજળી આપવામાં આવશે.’