ગઠિયાએ ડૉક્ટરને જ કડવી દવા પીવડાવી

27 March, 2023 08:09 AM IST  |  Mumbai | Mehul Jethva

નવી હૉસ્પિટલ માટે નવી મશીનરી લેવા જતાં થાણેના ડૉક્ટર સાથે થઈ ૧.૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં છેલ્લાં ૧૬ વર્ષથી હૉસ્પિટલ ધરાવતા ૫૫ વર્ષના એક ડૉક્ટરે નવી હૉસ્પિટલ ખોલી હતી જેના માટે તેમને નવી મશીનરીની જરૂર હતી. દરમિયાન રેફરન્સથી મળેલી એક વ્યક્તિ પાસેથી મશીનરીની માહિતી લીધા બાદ તેમણે પશ્ચિમ બંગાળમાં આવેલી કંપનીમાંથી ૧.૮૦ કરોડ રૂપિયાની મશીનરી લેવાનું નક્કી કર્યું હતું. એ માટે ઍડ્વાન્સ તરીકે ૧.૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. એ પછી પણ ૧૫ દિવસ સુધી મશીનરીની ડિલિવરી કરવામાં આવી નહોતી. ત્યાર બાદ કંપનીના ઍડ્રેસ પર જઈને તપાસ કરતાં એ બોગસ કંપની હોવાનું જાણવા મળ્યું હતું. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેમણે ચિતલસર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

થાણેમાં માજીવાડા નજીકની એક સોસાયટીમાં રહેતા અને વર્તકનગરમાં છેલ્લાં ૧૬ વર્ષથી લાઇફકૅર નામની હૉસ્પિટલ ચલાવતા ડૉક્ટર સુશીલ ઇન્દોરિયાએ કરેલી ફરિયાદ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૨માં તેમણે માનપાડામાં લાઇફકૅર હૉસ્પિટલ એનેક્સ નામની બીજી હૉસ્પિટલ શરૂ કરી હતી. જુલાઈ ૨૦૨૨માં હૉસ્પિટલ માટે સીટી સ્કૅન મશીન અને કૅથલૅબ મશીનની જરૂર હતી. એ વેચતા વેન્ડરની માહિતી તેઓ શોધી રહ્યા હતા. દરમિયાન રેફરન્સથી નીતિન કુંભારે સાથે તેમની ઓળખાણ થઈ હતી. તેણે પોતાની એલ્શોનિક હેલ્થકૅર કંપનીમાં સેલ્સ ઍન્ડ માર્કેટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઓળખાણ આપી હતી. તેની સાથે કંપનીના ડિરેક્ટર કૌશિક અને અંજલિ ગાંગુલી હોવાનું કહ્યું હતું. એ પછી ફરિયાદીને જોઈતાં મશીન ૧.૮૦ કરોડ રૂપિયામાં ફાઇનલ થતાં હોવાનું કહ્યું હતું. તમામ વાતોમાં રસ પડ્યા બાદ ફરિયાદી ડૉક્ટરે કુલ ૧.૫૫ કરોડ રૂપિયા કંપનીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને ૧૫ દિવસમાં મશીનોની ડિલિવરી થશે એવી માહિતી આપવામાં આવી હતી. જોકે કેટલાક મહિનાઓ સુધી મશીનોની ડિલિવરી ન થતાં અંતે ફરિયાદીએ કંપનીના પશ્ચિમ બંગાળના ઍડ્રેસ પર જઈને તપાસ કરી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે કંપનીનું જે ઍડ્રેસ આપવામાં આવ્યું છે ત્યાં તો માત્ર પતરાં લાગેલાં હતાં. અંતે આ કેસમાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થવાથી ડૉક્ટરે આ ઘટનાની ફરિયાદ ચિતલસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ચિતલસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ ગોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધી છે. જોકે હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai mumbai news thane thane crime Crime News mehul jethva