02 October, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ગઈ કાલે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના અતિક્રમણ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) શંકર પટોળેની ૧૫ લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ રંગેહાથ ધરપકડ કરી હતી. ગઈ કાલે સાંજે એક બાજુ TMCની ઑફિસમાં ૪૩મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ DMCની ઑફિસમાં છાપો મારતાં ખળભળાટ મચી ગયો હતો. DMC શંકર પટોળેએ એક કંપનીની બાંધકામની જમીન પરનું અતિક્રમણ દૂર કરવા માટે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હોવાનું જાણવા મળ્યું હતું.
થાણેમાં ચાલી રહેલાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી સામે આવ્યો છે. આ બાંધકામ કેસમાં ન્યાયિક પૂછપરછ ચાલી રહી છે. ફરિયાદી બાંધકામના ક્ષેત્રનો વ્યાવસાયિક છે અને શંકર પટોળેએ તેની પાસે લાંચ માગી હોવાનું જાણવા મળ્યું હતું. થાણેના ઘંટાલી વિસ્તારમાં એક જગ્યા છે એના પર અતિક્રમણ છે. આ અતિક્રમણ દૂર કરવા માટે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ મુંબઈના ફરિયાદીએ મુંબઈ ACBને ફરિયાદ કરી હતી. એના આધારે ACBએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી હતી. આ મામલે ACBએ ગઈ કાલે મોડી રાત સુધી કોઈ સ્પષ્ટતા કરી નહોતી.