14 July, 2025 06:57 AM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષની છોકરીના અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો, જોકે આ યુવતીએ બહાદુરીથી પોતાનો બચાવ કર્યો હતો. શહેરની પોલીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી ખાતે એક ૧૬ વર્ષની છોકરીએ બહાદુરી બતાવી. આ યુવતી શાળાએ રિક્ષામાં જઈ રહી હતી, આ દરમિયાન રિક્ષા ચાલક દ્વારા તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આ છોકરીએ વર્તુળ (ભૂમિતિ કંપાસ)થી હુમલો કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.
અહેવાલ મુજબ આ ઘટના ૯ જુલાઈના રોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બની હતી, એમ થાણે પોલીસે શનિવારે જણાવ્યું હતું. આ અપહરણની ઘટનાને લઈને ભિવંડીના શાંતિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. "બુધવારે 16 વર્ષની છોકરી તેની શાળાએ જવા માટે રિક્ષામાં બેસી હતી. તેમાં એક અજાણ્યો માણસ પહેલેથી જ હાજર હતો. જ્યારે રિક્ષા તેની શાળાની નજીક પહોંચી, ત્યારે છોકરીએ ડ્રાઇવરને વાહન રોકવા કહ્યું, પરંતુ તેણે તેમ ન કર્યું અને તેના બદલે ઝડપથી આગળ વધ્યો," એક અધિકારીએ જણાવ્યું.
આ દરમિયાન કિશોરી જે બની રહ્યું હતું તેનાથી ચોંકી ગઈ હતી, તેણે હોશિયારી બતાવી અને તેની સ્કૂલ બૅગમાંથી ભૂમિતિ કંપાસ કાઢીને ડ્રાઇવર પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેણે તેની બાજુમાં બેઠેલા માણસને પણ ધક્કો મારીને ચાલતી રિક્ષામાંથી કૂદી પડી. તે પછી તે તેની શાળામાં પહોંચવામાં સફળ રહી, એવી માહિતી પોલીસ આપી. છોકરીએ પછી આ આખી ઘટના વિશે તેની માતાને જાણ કરી, જેના પગલે તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને રિક્ષા ચાલક અને તેના સાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137(2) (અપહરણ) અને 62 (આજીવન કેદ અથવા અન્ય કેદની સજાપાત્ર ગુનાઓ કરવાનો પ્રયાસ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. "હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે," અધિકારીએ જણાવ્યું.
સાત વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનારને સજા
મહારાષ્ટ્રના થાણેની એક ખાસ કોર્ટે 2019 માં સાત વર્ષની બાળકી પર જાતીય હુમલો અને ઉત્પીડનના આરોપમાં એક પુરુષને દોષિત ઠેરવ્યો છે, પરંતુ પુરાવાના અભાવે તેને બળાત્કાર અને અકુદરતી સેક્સના આરોપોમાંથી મુક્ત કર્યો છે. 4 જુલાઈના રોજ પસાર કરાયેલા એક આદેશમાં, ખાસ અદાલતના ન્યાયાધીશ ડી.એસ. દેશમુખે સંતોષ કાશીનાથ શિંદેને 2019 માં ધરપકડ થયા પછી જેલમાં વિતાવેલા સમયની સજા ફટકારી હતી. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આ ઘટના 28 ઓગસ્ટ, 2019 ના રોજ બની હતી, જેના પગલે પીડિતાની માતાએ થાણેના ચિતલસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે શિંદે તેની પુત્રીને તેના ઘરે લલચાવીને લઈ ગયો હતો અને જ્યારે તેની માતા કામ માટે બહાર હતી ત્યારે તેનું જાતીય શોષણ કર્યું હતું.