08 April, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોએ ટનલ બોરિંગ મશીન નાયકને લૉન્ચ કરીને થાણે-બોરીવલી વચ્ચે બનનારી અન્ડરગ્રાઉન્ડ ટ્વિન ટનલના કામને વેગ આપ્યો હતો.
મુંબઈ અને થાણે વચ્ચેનું દોઢ કલાકનું અંતર માત્ર ૧૫ મિનિટમાં કપાય એ માટેનો મહત્ત્વાકાંક્ષી થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ વધુ એક ડગલું આગળ વધ્યો છે. હાર્ડ રૉક ટનલ બોરિંગ મશીન (TBM) નાયકને થાણેના માનપાડા તરફથી લૉન્ચ કરવાની સાથે ટ્વિન ટનલનું કામ શરૂ થયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારના હસ્તે ૧૧.૮૪ કિલોમીટર લંબાઈ ધરાવતી આ ટ્વિન ટનલના કામને લીલી ઝંડી આપવામાં આવી હતી. ૨૦૨૮ના મે સુધીમાં આ ટ્વિન ટનલ બનીને તૈયાર થઈ જશે એવી આશા મુખ્ય પ્રધાને વ્યક્ત કરી હતી.
આ પ્રોજેક્ટની વિશેષતા વિશે વાત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘આ સંપૂર્ણપણે ગ્રીન પ્રોજેક્ટ છે. ટનલ સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચેથી પસાર થતી હોવાથી વન્યજીવો અને જૈવવિવિધતાને કોઈ નુકસાન થશે નહીં. પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વળતરરૂપે ૧૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટની પ્રગતિ પર દેખરેખ રાખશે.’
દરેક ટનલમાં બે ટ્રાફિક લેન અને એક ઇમર્જન્સી લેન હશે, જેમાં સલામતી માટે દર ૩૦૦ મીટરે ક્રૉસ પૅસેજ હશે. આ પ્રોજેક્ટમાં મેકૅનિકલ વેન્ટિલેશન, ફાયર-ફાઇટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેટ્રો-રિફ્લેક્ટિવ LED સાઇનેજ સહિતની સેફટી સિસ્ટમનો સમાવેશ થાય છે. થાણે-બોરીવલી ટ્વિન ટનલ બોરીવલીના ભાગમાં ૫.૭૫ કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જ્યારે થાણે બાજુના ૬.૦૯ કિલોમીટરને આવરી લેશે. એમાં ટનલ, એક વાયડક્ટ અને ટોલ-પ્લાઝાનો સમાવેશ થાય છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટમાં ‘નાયક’ અને ‘અર્જુન’ જેવાં અત્યાધુનિક ૪ વિશાળ હાર્ડ રૉક ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. ૨૫૦૦ ટન વજન ધરાવતાં આ મશીનો ૧૩.૩૪ મીટરનો વ્યાસ ધરાવે છે. છ લેન ધરાવતો આ અન્ડરગ્રાઉન્ડ રોડ કાર્યરત થવાથી થાણે અને બોરીવલી વચ્ચેનું ૨૩ કિલોમીટરનું અંતર ઘટીને માત્ર ૧૨ કિલોમીટરનું રહી જશે. આ ટનલને કારણે નાશિક, કલ્યાણ અને નવી મુંબઈથી આવતાં વાહનો માટે ઘોડબંદર રોડના ટ્રાફિકમાંથી મુક્તિ અપાવતો મહત્ત્વનો બાયપાસ સાબિત થશે.