ઠાકરેની ગર્જના : મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરનારાને ઠાર મારીશ

07 October, 2011 05:40 PM IST  | 

ઠાકરેની ગર્જના : મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરનારાને ઠાર મારીશ

શિવસેનાસુપ્રીમોએ દશેરાની રૅલીમાં આવી ગર્જના કરીને ગઈ કાલે શિવાજી પાર્કનું મેદાન ગજાવી મૂક્યું

શિવસેનાની વાર્ષિક દશેરા રૅલીને સંબોધતાં બાળ ઠાકરેએ દાદાગીરી કરી રહેલા રિક્ષાવાળાઓની મારપીટનું શ્રેય શિવસૈનિકોને આપવાનો પ્રયત્ન કર્યો હતો અને આવી રીતે કરવામાં આવતી મારપીટને યોગ્ય પણ ગણાવી હતી. તેમણે પોતાના આખા ભાષણમાં એક પણ વખત રાજ ઠાકરેનો ઉલ્લેખ નહોતો કર્યો. રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલને તેમણે ચાર્લી ચૅપ્લિનની ઉપમા આપી હતી અને આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસને સત્તા પરથી ફેંકી દેવાની હાકલ લોકોને કરી હતી.


મુંબઈ હાઈ ર્કોટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણી વિશે પોતાની તીખી પ્રતિક્રિયા આપતાં બાળ ઠાકરેએ કહ્યું હતું કે તમે કોણ આવ્યા સુધરાઈ પર તાળાં લગાવવાનું કહેનારા?


મુંબઈ હાઈ ર્કોટે‍ તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે ટ્રાફિક-બૂથ માટે પણ જાહેરાતો લેવાની હોય તો સુધરાઈને તાળાં લગાવી દો.

સંસદ પર હુમલા બદલ ફાંસીની સજા પામી ચૂકેલા અફઝલ ગુરુને વધુ એક વખત દશેરા રૅલીમાં બાળ ઠાકરેએ સ્થાન આપ્યું હતું અને આ વખતે તેમણે ‘તે સોનિયા ગાંધીનો જમાઈ છે?’ એવો પ્રશ્ન કર્યો હતો. અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવશે તો કાશ્મીરમાં હિંસા ફાટી નીકળશે એવું બોલવા બદલ ઓમર અબદુલ્લાને તમાચો મારવો જોઈએ એમ કહેતાં બાળ ઠાકરેએ ઉમેર્યું હતું કે જો હું વડા પ્રધાન હોત તો કાશ્મીરની સરકારને બરખાસ્ત કરી નાખત.

સોનિયાને પણ અડફેટમાં લીધાં

વડા પ્રધાન મનમોહન સિંહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ કેવી રીતે બોલે છે એની નકલ કરીને તેમણે ઉપસ્થિત બધા લોકોને ખુશ કરી દીધા હતા, જ્યારે સોનિયા ગાંધી એક મહિનો શા માટે વિદેશ ગયાં હતાં એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને કૉન્ગ્રેસને દઝાડવાનું કામ કર્યું હતું. સોનિયાને વિદેશમાં સારવાર કરાવવાની જરૂરિયાત કેમ પડી, દેશમાં શું ડૉક્ટરો મરી ગયા છે એવા તીખા
પ્રશ્નો ઉપસ્થિત કરતાં પોતે દેશમાં જ હૃદયરોગની સારવાર કરાવી હતી એની બાળ ઠાકરેએ લોકોને યાદ અપાવી હતી.

ખાડાને મુદ્દે બચાવ

શહેરમાં ખાડાના મુદ્દે છેલ્લા બે મહિનાથી લોકોની ટીકાનો ભોગ બની રહેલી મુંબઈ મહાનગરપાલિકામાં સત્તાધારી સેના-બીજેપીની યુતિનો બચાવ કરવા માટે બાળ ઠાકરેએ પોતે ઊતરવું પડ્યું હતું. ચાર જ મહિનામાં સુધરાઈની ચૂંટણી છે ત્યારે ખાડાને મુદ્દે શહેરના લોકોમાં ફેલાયેલા ગુસ્સાને હળવો કરવાના ઇરાદાથી તેમણે પોતાના ભાષણ દરમ્યાન એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ખાડા ક્યાં નથી? બાદમાં પોતે જ જવાબ આપ્યો હતો કે દિલ્હી (કૉન્ગ્રેસની સત્તા) સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખાડા છે. રાજ્ય સરકારની એજન્સીઓ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) અને એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉપોર્રેશન) દ્વારા બાંધવામાં આવેલા હાઇવે અને લાલબાગ ફ્લાયઓવર પર પણ ખાડા પડ્યા હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.

દાદરનું નામ તો દાદર જ રહેશે

દાદરનું નામ બદલીને ચૈત્યભૂમિ રાખવાના પ્રસ્તાવનો વિરોધ કરતાં બાળ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દાદર વિશ્વનો અંત થશે ત્યાં સુધી દાદર જ રહેશે. દાદરનું નામ બદલીને કોઈ ફાયદો થવાનો નથી એમ જણાવતાં તેમણે રિપબ્લિકન નેતાઓને કહ્યું હતું કે ‘ચૈત્યભૂમિ કે બીજા ભળતા-સળતા નામની માગણી કરશો નહીં. નામ બદલીને તમારું ભલું થશે?’